ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. તેથી બહુ જલદી તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવશે એવુ માનવામાં આવી રહ્યું છે. આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ પણ તેવા સંકેત આપ્યા હતા. તેથી બહુ જલદી લોકલ ટ્રેનમા વેક્સિન નહીં લેનારી વ્યક્તિને પણ પ્રવાસની છૂટ મળશે, તેમ જ અન્ય છૂટછાટો પણ મળી ગઈ હોવાની ગેરસમજ નાગરિકોમાં ફેલાઈ છે. તેથી મંગળવારે મોડી રાતે મહારાષ્ટ્રના ડિઝાસ્ટર ખાતાને પરિપત્રક બહાર પાડીને કોવિડ પ્રતિબંધક નિયંત્રણો કાયમ હોવાની સ્પષ્ટતા કરવી પડી હતી. તેથી આગામી દિવસમાં પણ વેક્સિનના બંને ડોઝ લેનારા જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ રહેશે.
કોરોના મહામારીને પગલે મહારાષ્ટ્ર સરકારે 8 ઓક્ટોબર અને 26 ઓક્ટોબર, 2019 અને 8 જાન્યુઆરી, 9 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી 2022ના જાહેર કરેલા કોવિડ પ્રતિબંધક નિયમો હજી પણ લાગુ પડે છે. એટલે વેક્સિન નહીં લેનારા નાગરિકો માટે લોકલ ટ્રેનમાં પ્રવાસ પર હજી પણ પ્રતિબંધ કાયમ છે. તેથી નાગરિકોએ કોવિડ પ્રતિબંધાત્મક નિયમોનું પાલન સખતાઈ પૂર્વક કરવાની અપીલ રાજ્યના ડિઝાસ્ટર ખાતા દ્વારા કરવામાં આવી છે.
કોવિડને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે 15 જુલાઈ, 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ 2021ના જાહેર કરેલા પ્રતિબંધો રદ કરવામાં આવ્યા છે, જેમાં અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. વેક્સિનના બંને ડોઝ લેનારાને જ ટ્રેનમાં અને સાર્વજનિક ટ્રાન્સપોર્ટેશનમાં પ્રવાસની છૂટ છે. હોટલ, રેસ્ટોરા વગેરે 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી છે. લગ્નમાં પણ 200 માણસોને હાજરીને મંજૂરી છે. આવા અનેક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે હજી પણ 8 ઓક્ટોબર, 26 ઓક્ટોબર 2019, 8 અને 9 તથા 31 જાન્યુઆરી 2022ના બહાર પાડેલા આદેશ કાયમ છે. તેથી વેક્સિનેટેડ અને વેક્સિન નહીં લેનારાઓએ માસ્ક પહેરવો, સામજિક અંતર જાળવવા જેવા નિયમોનું પાલન કરવાનું આવશ્યક રહેશે.