ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
મુંબઈમાં વરસાદમાં ફરી એક વખત જર્જરિત ઇમારત તૂટી પડતાં 11નાં મોત થયાં છે. ગયા અઠવાડિયામાં પણ વરસાદને પગલે બાંદરામાં મકાન તૂટી પડતાં 2નાં મોત થયાં હતાં. મુંબઈમાં આવી અનેક જોખમી ઇમારતો છે, જેનું મુંબઈ મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં સર્વેક્ષણ કરીને યાદી બહાર પાડી હતી. એમાં અત્યંત જોખમી શ્રેણી એટલે કે C-1 કૅટૅગરીમાં મુંબઈની 407 ઇમારત છે, જે ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે. માલવણીનું આ મકાન જોખમી હતું કે નહીં એ બાબતે પાલિકાએ મોડે સુધી કોઈ સ્પષ્ટતા કરી નહોતી.
મલાડ(પશ્ચિમ)ના માલવણીમાં ગેટ નંબર 8માં અબ્દુલ હમીદ રોડ પર પ્લૉટ નંબર 72માં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું આ મકાન હતું. બુધવાર રાતના 11.10 વાગ્યે અચાનક એનો બીજા અને ત્રીજા માળાનો ભાગ તૂટીને બાજુમાં રહેલા ગ્રાઉન્ડ પ્લસ એક માળાના ઘર પર તૂટી પડ્યો હતો. એને પગલે મકાનના કાટમાળ હેઠળ અનેક લોકો ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડ, પોલીસ સહિત સ્થાનિક રહેવાસીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
મુંબઈમાં બુધવારે થયેલી અતિવૃષ્ટિને પગલે આ મકાન તૂટી પડ્યું હોવાનું કહેવાય છે. પાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા પ્રમાણે આ તૂટી પડેલી ઇમારતમાં 20થી વધુ લોકો રહેતા હતા. બુધવારે મોડી રાત સુધી કાટમાળ હેઠળથી 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ લોકોને તાત્કાલિક ધોરણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમાં 9 લોકોને સારવાર અગાઉ જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા, તો બેનાં હૉસ્પિટલમા મૃત્યુ થયાં હતાં. 11 મૃતકોમાં પાંચ વર્ષથી લઈને 13 વર્ષ સુધીનાં 8 બાળકોનો સમાવેશ થાય છે. સાત જખમીઓ પર હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે દર વર્ષે વરસાદમાં જૂની અને જોખમી બાંધકામ તૂટી પડવું સામાન્ય બાબત થઈ ગઈ છે. પાલિકા તથા મ્હાડા દ્વારા આવી જોખમી મકાનોનાં ચોમાસા પહેલાં સર્વેક્ષણ કરવામાં આવતાં હોય છે. જોખમી શ્રેણીમાં આવતાં મકાનોને અલગ અલગ કૅટૅગરીમાં મૂકવામાં આવે છે. એમાં C-1 કૅટૅગરીમાં આવતાં મકાનો અત્યંત જોખમી હાલતમાં હોય છે, જેનું રિપરિંગ પણ શક્ય નથી હોતું. આ મકાન ગમે ત્યારે તૂટી જાય એવી હાલતમાં હોય છે. પાલિકાએ ચોમાસા પહેલાં કરેલા સર્વેમાં મુંબઈની 407 ઇમારત જોખમી હોવાનું બહાર આવ્યું છે.