ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મુંબઈમાં આ વર્ષે 104 ટકા નાળાસફાઈ થઈ ગઈ છે અને મુંબઈમાં આ વર્ષે પાણી નહીં ભરાશે એવા મુંબઈ મહાનગરપાલિકાના તથા મુંબઈનાં મેયરના દાવા પર પહેલાં જ વરસાદે પાણી ફેરવી દીધું છે. મુશળધાર વરસાદમાં મુંબઈ જળબંબાકર થઈ ગઈ છે. મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયાં છે. પાલિકા પ્રશાસનની નાળાસફાઈના કામ પર માછલાં ધોવાઈ રહ્યાં છે. ચોતરફથી ટીકા થઈ રહી છે, ત્યારે મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે મુંબઈમાં પાણી ભરાશે નહીં એવો અમે કદી દાવો કર્યો જ ન હોવાનું કહીને યુ ટર્ન માર્યો છે.
પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મેયરે કહ્યું હતું કે મુંબઈમાં પાણી ભરાશે જ નહીં એવો દાવો અમે કોઈ દિવસ કર્યો નથી. મુંબઈમાં ચાર કલાક કરતાં વધુ સમય સુધી વરસાદી પાણી ભરાઈ રહે તો અમારા પર આરોપ કરવો યોગ્ય રહેશે.
ઘાટકોપરથી અમર મહેલ પહોંચતાં લાગે છે 50 મિનિટ, ઠેરઠેર ટ્રાફિકજામ; જાણો વિગત
મુંબઈમાં વહેલી સવારથી ભારે વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. જેમાં બપોર બાદ પણ પરિસ્થિતમાં કોઈ સુધારો નહોતો, ત્યારે પાણી ભરાવા માટે સતત પડી રહેલા વરસાદની સાથે જ દરિયામાં રહેલી ભરતીને જવાબદાર ગણાવીને મેયરે પોતાના હાથ ઉપર કરી દીધા હતા. બાદમાં જોકે સફાઈ આપતાં કહ્યું હતું કે પહેલાં અતિવૃષ્ટિ દરમિયાન ચાર-પાંચ દિવસ સુધી મુંબઈ ઠપ્પ થઈ જતી હતી. હવે પહેલાં જેવું નથી. દરિયામાં ઓટની સાથે જ પાણીનો નિકાલ શરૂ થઈ જશે.