ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
મુંબઈમાં ઘણા સમયથી જુદી જુદી જગ્યાએથી દૂષિત પાણીની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે. આ સમસ્યાનું નિરાકરણ થવાને બદલે તેમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ પાલિકાએ દાવો કર્યો છે કે દૂષિત પાણીનું પ્રમાણ ૧ ટકાથી પણ ઓછું છે. બીજી બાજુ મસ્જિદ બંદર, ભાયખલા, વડાલા, પરેલ, ભાયંદર, ધારાવીના નાગરિકો ગત એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન છે અને તેનાથી બીમારીઓ પણ વધી રહી છે.
મુંબઈગરાને જે પાણીનો પુરવઠો થાય છે તે પાણીની દર વર્ષે સાર્વજનિક આરોગ્ય વિભાગ અને હાઇડ્રોલિક એન્જિનિયરિંગ વિભાગ મળીને ગુણવત્તા તપાસે છે. દરરોજ ૨૦૦થી ૨૫૦ અને ચોમાસામાં ૩૦૦થી ૩૫૦ પાણીના નમૂના પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. મુંબઈના ૨૪ વૉર્ડમાંથી આ નમૂના એકત્ર કરવામાં આવે છે.
મુંબઈમાં ગઈ કાલથી સતત વરસાદ ચાલુ છે, ક્યાં કેટલા મિલીમીટર વરસાદ; જાણો વિગત
પાલિકાના પર્યાવરણ વિભાગના વાર્ષિક અહેવાલ મુજબ ગત બે વર્ષની સરખામણીમાં ૨૦૨૦-૨૧માં દૂષિત પાણીના નમૂનાઓનું પ્રમાણ વધી ગયું છે. ગત બે વર્ષમાં સરેરાશ પ્રમાણ ૦.૭ ટકા હતું. જે આ વર્ષે ૦.૯ ટકા થઈ ગયું છે, તો કેટલાક વિભાગમાં આ પ્રમાણ ૩ ટકા જેટલું વધી ગયું છે. મેટ્રો તેમ જ ચોમાસામાં નાળાની સફાઈના કામને લીધે પાણીના પાઇપમાં દૂષિત પાણી ભળે છે.
ગિરગાંવ, મુમ્બાદેવી, ગ્રાન્ટ રોડ, વડાલા, નાયગાવ, મુલુંડ, ગોરેગાવ, માનખુર્દ વગેરે ઠેકાણે દૂષિત પાણીના પ્રમાણમાં ૧થી ૨ ટકા જેટલો વધારો થયો છે.