ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
સૌ પ્રથમ કાંદિવલીમાંથી બોગસ રસીકરણનો મામલો પ્રકાશમાં આવ્યા બાદ મુંબઈના બીજા અનેક ઠેકાણેથી આવા સમાચાર સામે આવ્યા હતા. હવે મુંબઈ પોલીસે ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ પોલીસમાં કુલ સાત ફેક રસીકરણના કેસ નોંધાયા છે. કાંદિવલીની હીરાનંદાની સોસાયટી સહિત આદિત્ય કોલેજ બોરવાલી, માનસી શેર્સ અને સ્ટોક શિમ્પોલી બોરીવલી, પોદદાર એજ્યુકેશન સેન્ટર પરેલ, ટિપ્સ કંપની અંધેરી, ટિપ્સ કંપની, બેંક ઓફ બરોડા લિંક્સ રોડ મલાડમાં ખાર નકલી રસી આપવામાં આવી હતી.
આરોપીઓ દ્વારા કુલ ૧૩૪૩ લોકોને બોગસ રસી આપવામાં આવી છે. એકવાર રસી અપાયા બાદ આ ખાલી બોટલ ફરીથી પાણી અથવા ગ્લુકોઝથી ભરીને રસીકરણ માટે વપરાય હતી. પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના જવાબ નોંધ્યા છે. આરોપી પાસેથી 12 લાખ ૪૦ હજાર રૂપિયાની રકમ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત 114 બનાવટી સર્ટિફિકેટ પણ જપ્ત કરાયા છે અને હવે આ મામલે એસઆઈટીનું પણ ગઠન કરાશે.
મુંબઈ પોલીસના અધિકારી વિશ્વાસ નાંગ્રે પાટિલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. જોકે, પ્રાથમિક તપાસમાં તેઓએ આપેલી રસીમાં કોઈ હાનિકારક પદાર્થ છે કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સામે આવા કોઈ બનાવટી રસીકરણ આયોજન આવે કે તેમને કોઈ શંકા હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે.