ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
વસઈ અને વિરાર રેલવે સ્ટેશનો પર ક્રાઇમની ઘટનાઓનું પ્રમાણ સૌથી વધુ છે. આ સ્ટેશનો પર ચેઇન- સ્નેચિંગ, લૂંટ, ચોરી અને હત્યા જેવી ઘટનાઓ અવારનવાર બને છે. ગઈ કાલે એક પાકીટચોરે મુંબઈના યુવકની હત્યા કરી છે. આ યુવક રાતના સમયે વિરાર સ્ટેશને ટ્રેનની ટિકિટ કઢાવી રહ્યો હતો, ત્યારે ઘટના ઘટી હતી.
મુંબઈમાં રહેતો ૩૦ વર્ષનો યુવક હર્ષલ વૈદ્ય તેની પત્ની અને સાસુ સહિત વિરારમાં રહેતા તેમના સગાંસંબંધીઓને મળવા માટે આવ્યો હતો. વિલે પાર્લેમાં રહેતો હર્ષલ બુધવારે રાત્રે પોતાના ઘરે જવા માટે વિરાર રેલવે સ્ટેશન ઉપર આવ્યો હતો. જ્યાં ટિકિટ કઢાવતી વખતે પાકીટચોરે તેનું પાકીટ ચોર્યું અને રલવે સ્ટેશનની બહાર તરફ ભાગવા લાગ્યો. હર્ષલ અને અન્ય લોકો પાકીટચોરની પાછળ ભાગ્યા. સ્ટેશન નજીકની શ્રેયા હૉટેલની સાંકળી ગલીમાં અંધારામાં ચોર છુપાઈને બેસી રહ્યો. લોકોએ તેને બહાર આવવા કહ્યું. તે બહાર આવ્યો નહિ, એથી હર્ષલ ત્યાં ગયો. ત્યાર બાદ આ બંને જણ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ચોરટાએ ધારદાર ચાકુ હર્ષદના પેટમાં હુલાવી દીધું હતું.
ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષલને સારવાર માટે નજીકની સંજીવની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો પણ તેની પરિસ્થિતિ વધુ બગડતાં મુંબઈની શતાબ્દી હૉસ્પિટલમાં તેને સારવાર માટે લઇ જવાયો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. વિરાર પોલીસે આરોપી વિરુદ્ધ ચોરી અને હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ હતી.