ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જુલાઈ 2021
બુધવાર
નવી મુંબઈના તુર્ભેમાં 170 એકરમાં ફેલાયેલી APMC માર્કેટની સુરક્ષાને મુદ્દે હાલ વેપારીઓ ચિતિંત જણાઈ રહ્યા છે. ચોરી, લૂંટ, ગેરકાયદે ધંધાઓની સાથે રાતના અંધારામાં કેફી દ્રવ્યોનું વેચાણ થવું સામાન્ય બાબત બની ગઈ છે. એમાં હવે જ્વલનશીલ પદાર્થના સ્ટોફ થવા માંડ્યા છે. એથી બજારની સુરક્ષા પ્રત્યે સંચાલકો બેદરકારી દર્શાવી રહ્યા હોવાની નારાજગી વેપારી વર્ગમાં જોવા મળી રહી છે. લાંબા સમયથી બજારમાં ઠેરઠેર CCTV કૅમેરા બેસાડવાની માગણી પ્રત્યે પણ દુર્લક્ષ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ થઈ રહ્યો છે.
શુક્રવારે ફ્રૂટ માર્કેટમાં એક ટેમ્પોમાં જ્વલનશીલ પદાર્થનો સ્ફોટ થયો હતો. પોલીસ તપાસમાં જોકે એ અંગત અદાવતને કારણે વિસ્ફોટ થયો હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસની તપાસ દરમિયાન આ વિસ્તારમાં CCTV બેસાડેલા ન હોવાનું બહાર આવ્યું છે. એથી સંચાલકોની બેદરકારીને કારણે ભવિષ્યમાં પણ આવા બનાવ બની શકે છે એવી નારાજગી ફ્રૂટ અને વેજિટેલબ માર્કેટના વેપારીઓ કરી રહ્યા છે.
સમગ્ર એશિયામાં સૌથી મોટી કહેવાતી APMC માર્કેટ 170 એકરમાં ફેલાયેલી છે. રોજની 6,000 ટ્રક રાજ્યના જુદા જુદા જિલ્લામાંથી તેમ જ અન્ય રાજ્યોમાંથી અહીં માલ લઈને આવે છે. બજારમાં લગભગ 3,700 ગોદામ, 1500 કૉમર્શિયલ ગાળા, 4 ઑક્શન હાઉસ છે. એથી અહીં સુરક્ષાવ્યવસ્થા મજબૂત હોવી આવશ્યક છે. છતાં હજી સુધી સંચાલકો દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યાં ન હોવાની ફરિયાદ તો લાંબા સમયથી થઈ રહી છે.
APMC બજારમાં ફ્રૂટ અને વેજિટેબલ વ્યવસાય સાથે જોડાયેલા અગ્રણી વેપારીના જણાવ્યા મુજબ APMC માર્કેટમાં દરેક બજારમાં સિક્યૉરિટી ગાર્ડ છે તેમ જ વેપારી ઍસોસિયેશન દ્વારા CCTV બેસાડવામાં આવ્યા છે. APMC પ્રશાસન તરફથી પણ અમુક જગ્યાએ બેસાડવામાં આવ્યા છે, પરંતુ એ અપૂરતા છે. બે વર્ષ પહેલાં અમુક જગ્યાએ સાંસદ ફંડમાંથી બેસાડેલા કૅમેરા હાલ બંધ છે. ફ્રૂટ માર્કેટમાં જ 62 CCTV કૅમેરામાંથી 21 કૅમેરા બંધ છે. એવી જ પરિસ્થિતિ મોટા ભાગની ગલીઓમાં છે. શાકભાજી બજારમાં પણ 53 CCTV છે, પણ એમાંથી કેટલા ચાલે છે એ ખબર નથી. લાંબા સમયથી અમે APMC સંચાલકોને આ વિશે ફરિયાદ કરી રહ્યા છીએ, પરંતુ તેઓ ગંભીરતાથી લેતા નથી.
APMC માર્કેટના ડાયરેકટર અને વેજિટેબલ હોલસેલ ઍસોસિયેશનના મેમ્બર શંકર પિંગળેએ જણાવ્યું હતું કે માર્કેટમાં અનેક CCTV કૅમેરા ચાલતા નથી એ બાબત ધ્યાનમાં આવી છે. બહુ જલદી તમામ કૅમેરાનું સમારકામ કરાવી લેવાશે અને જ્યાં નવા બેસાડવાની આવશ્યકતા છે ત્યાં ચોક્કસ નવા બેસાડવાનો વિચાર કરાશે.