ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
દિલ્હી પોલીસ અને ઉત્તર પ્રદેશ એટીએસે આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ કરીને છ આતંકવાદીઓને પકડી પાડ્યા હતા, ત્યારે હવે મુંબઈગરાની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન ફરી એક વખત આતંકવાદીઓના નિશાનામાં આવી ગઈ હોવાનું જણાઈ આવ્યું છે. એથી તાત્કાલિક ધોરણે મુંબઈની લોકલ ટ્રેનની સુરક્ષાને લઈને અધિકારીઓએ બેઠક કરી હતી. જેમાં મુંબઈની લોકલની સુરક્ષાને લઈને નવા મૉડલ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહ પાલિકા વાહ : ગોટાળો કરોડનો અને દંડ 1500 રૂપિયાનો!
આતંકવાદીઓએ મુંબઈની રેકી કરી હોવાનું કહેવાય છે, પંરતુ રાજ્યના એટીએસ પ્રમુખ વિનીત અગ્રવાલે એનો ઇનકાર કર્યો હતો. હકીકત કંઈ પણ હોય, પરંતુ મુંબઈની લોકલ ટ્રેન આતંકવાદીના હિટલિસ્ટમાં આવી ગઈ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. એથી રેલવેના સુરક્ષા અધિકારીઓની બેઠકમાં લોકલની સુરક્ષાવ્યવસ્થાને લઈને નવેસરથી પરીક્ષણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ જ સુરક્ષા માટે નવું મૉડલ બનાવવામાં આવ્યું છે, જે હેઠળ મહિલાઓની સુરક્ષાનો પણ વિષય મહત્ત્વનો રહેશે. પોલીસ કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવશે. તેમ જ મહત્ત્વનાં ઉપનગરનાં રેલવે સ્ટેશનોના પ્રવેશદ્વાર પર મેટલ ડિટેક્ટર બેસાડવામાં આવવાનાં છે. તેમ જ હાલ જ્યાં બેસાડેલાં છે અને એ કામ નથી કરતાં એનાં તાત્કાલિક સમારકામ કરાવવામાં આવવાનાં છે.