ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જૂન 2021
ગુરુવાર
આગામી વર્ષે થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને પગલે મુંબઈગરાના માથા પરથી 14 ટકા પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો થવાનું સંકટ ટળી ગયું છે. BMCની સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવ ફગાવી દેતાં કોરોના અને લૉકડાઉનમાં અટવાઈ ગયેલા સામાન્ય નાગરિકોને રાહત થઈ છે.
મુંબઈમાં દર 5 વર્ષે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવે છે. છેલ્લે 2015માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2020માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનું અપેક્ષિત હતું, પરંતુ કોરોના મહામારીને પગલે કરવધારાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. કોરોનાની પાછળ પાલિકાએ અત્યાર સુધીમાં બે હજાર કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ખર્ચી નાખી છે. એની સામે પાલિકાની આવકમાં પણ ઘરખમ ઘટાડો થયો છે. એથી પાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં વધારાનો પ્રસ્તાવ લાવી હતી. જોકે પાલિકાના વિરોધ પક્ષ કૉન્ગ્રેસ, ભાજપ સહિત સત્તાધારી પાર્ટી શિવસેનાએ પણ પાલિકા પ્રશાસનના આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
મુંબઈમાં આગામી વર્ષ સુધી કોઈ પ્રકારનો વધારાનો કરવેરો લાદવામાં આવશે નહીં એવી જાહેરાત પણ મેયર કિશોરી પેડણેકર કરી હતી. છતાં પાલિકા બુધવારે ફરી એક વખત પ્રૉપર્ટી ટૅક્સમાં વધારાનો પ્રસ્તાવ લાવી હતી. જેને બહુમતીએ ફગાવી દેવામાં આવ્યો હતો.