ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 જુલાઈ, 2021
શુક્રવાર
મુંબઈ કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવ્યું છે, પરંતુ ગુજરાતીઓની સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તર મુંબઈમાં હજી સુધી કોરોના કાબૂમાં આવ્યો નથી. હાલ મોટા ભાગના કોરોનાના ઍક્ટિવ કેસ બોરીવલી, કાંદિવલી અને મલાડમાં નોંધાયા છે. એથી પાલિકા પ્રશાસનની ચિંતામાં વધારો થયો છે.
ઓવરઑલ મુંબઈમાં કોરોના નિયંત્રણમાં હોવા છતાં સતત દોઢ વર્ષથી ઉત્તર મુંબઈના બોરીવલી, કાંદિવલી, મલાડ જેવા વિસ્તારો કોરોનાની ચુંગાલમાંથી બહાર નીકળી નથી શક્યા. આ વિસ્તારમાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસે છે. કોરોનાના મુંબઈમાં સૌથી વધુ ઍક્ટિવ કેસ અંધેરી (ઈસ્ટ)માં 1,222 છે, ત્યાર બાદ બીજા નંબરે R-સેન્ટ્રલ વૉર્ડના બોરીવલીમાં 975 કેસ છે. ત્રીજા નંબરે P-નૉર્થ વૉર્ડના મલાડમાં 957 કેસ છે. ચોથા નંબરે R-સાઉથ વૉર્ડના કાંદિવલીમાં 924 કેસ છે. બોરીવલીમાં કોરોનાના વધુ કેસ હોવાથી 191 ફ્લોર હાલ સીલ કરવામાં આવ્યા છે, તો કાંદિવલીમાં 180 ફ્લોર સીલ કરવામાં આવ્યા છે.
મુંબઈ શહેરના માથે થી પાણી સંકટ ગયું. સતત વરસાદને કારણે આટલું બધું પાણી ભેગું થયું. જાણો વિગત
ધારાવી બાદ હૉટ સ્પૉટ લગભગ ઉત્તર મુંબઈના જ વિસ્તારો રહ્યા છે એ બાબતે પાલિકાના આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ કોરોનાના કેસ ઘટવાની સાથે જ આ વિસ્તારમાં કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાઈ આવ્યું છે. લોકો માસ્ક પ્રત્યે તો બેદરકારી દાખવી જ રહ્યા છે, પરંતુ સાર્વજનિક સ્થળે પણ લોકોની ભારે ભીડ રહેતી હોય છે. ખાવાપીવાના સ્ટૉલ તથા રેસ્ટોરાં પર મોટા પ્રમાણમાં અહીં લોકોની ભીડ જમા થતી હોય છે. એ ઉપરાંત આ વિસ્તારોમાં અનેક ઑફિસો આવેલી છે. એથી રોજ મોટા પ્રમાણમાં અહીં લોકોની અવરજવર રહેતી હોય છે. એ કારણે પણ અહીં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છતાં આ વિસ્તારને કોરોના મુક્ત કરવા માટે પાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.