ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 24 ફેબ્રુઆરી 2022,
ગુરુવાર,
દક્ષિણ મુંબઈ અને નવી મુંબઈના બેલાપુરને જોડનારી મોટા ઉપાડે ચાલુ કરવામાં આવેલી વોટર ટેક્સી પ્રવાસી નહીં મળવાને કારણે અઠવાડિયાની અંદર જ બંધ થઈ ગઈ છે. વોટર ટેક્સીનું સંચાલન કરનારી કંપનીને પહેલા જ દિવસે 25,000 રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. પહેલા દિવસે બે ફેરી ચાલુ થવાની હતી, તેમાં બંને ફેરીમાં એક પણ પ્રવાસી મળ્યો નહોતો. સરકારની વોટર ટેક્સીની યોજના પર પાણી ફરી વળ્યું હતું. એટલું ઓછું હોય તેમ વોટર ટેક્સી ચલાવનારી કંપનીએ સરકાર પાસે જ નુકસાનીની ભરપાઈ માગી છે. તેથી વોટર ટેક્સી સરકાર માટે સફેદ હાથી બની જાય એવી ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે.
સોમવારથી ચાલુ થયેલી વોટર ટેક્સીની સેવામાં પહેલા જ દિવસે સવારથી બેલાપુરથી વોટર ટેક્સી પ્રવાસી વગર ઉપડી હતી. તો સાંજે ભાઉચા ધક્કાથી ઉપડેલી ફેરી પણ પ્રવાસી વગર ખાલી જ ઉપડી હતી. પહેલા જ દિવસે વોટરટેક્સી સંપનીને ડિઝલના ખર્ચ પેઠે 25,000 રૂપિયાનો ફટકો પડયો હતો. તેની ભરપાઈ મુંબઈ પોર્ટ ટ્રસ્ટે આપવી અને બેલાપૂરથી જેએનપીટી અથવા બેલાપૂરથી એલિફન્ટા વોટર ટેક્સી ચલાવવાની મંજૂરી આપવાની માગણી પણ કંપનીએ કરી હતી.
મુંબઈમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો, કોવીડ-19ના કેસ ઘટવા પાછળ આ છે કારણ..
સવારના સમયમાં નવી મુંબઈથી મુંબઈ જનારા માટે વોટર ટેક્સી કેટલી ફાયદામંદ છે, તેનો દાવો સરકાર કરી રહી છે. સરકારના દાવા મુજબ વોટર ટેક્સ નવી મુંબઈથી ફોર વ્હીલર લઈને મુંબઈ તરફ જનારા લોકો માટે સમય અને પૈસાની બચત કરનારી છે. બેલાપુરથી ભાઉચા ધક્કાનું અંતર 34 કિલોમીટર છે. આ અંતર પાર કરવા માટે સવારના પીક અવર્સમાં વાહનચાલકને બે કલાકથી પણ વધુ સમય ટ્રાફિકમાં લાગે છે. સાંજના ઘરે પાછા ફરતા સમયે પણ આવી જ ટ્રાફિકની પરિસ્થિતિ હોય છે. રોજના ચારથી પાંચ કલાક ટ્રાન્સપોર્ટેશનમાં જાય છે. એ સિવાય ઈંધણ પાછળ 800થી 1000 રૂપિયાનો ખર્ચ થાય છે. તેની સામે વોટર ટેક્સીમાં સિંગલ પ્રવાસ 290 અને રિટર્ન પ્રવાસ 580 રૂપિયામાં થઈ જાય છે. સમયની સાથે જ પૈસાની બચત વોટર ટેક્સીને કારણે થઈ રહી છે.