ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 જૂન 2021
શુક્રવાર
ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ પર નજર રાખવાનું અને એને રોકવાનું કામ મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) ખાતાની છે. હાલ આ ખાતું મહારાષ્ટ્ર સરકારના નેજા હેઠળ કામ કરે છે. જોકે મુંબઈ મનપામાં રાજ કરનારી શિવસેના FDAને ફરી પાલિકાના નિયંત્રણ હેઠળ લાવવા માગે છે. એ માટેનો પ્રસ્તાવ મુંબઈ પાલિકાના હાઉસમાં મંજૂરી માટે આવવાનો છે. જો ખાદ્ય સુરક્ષા કાયદાને અમલમાં લાવવાની સત્તા ફરી મુંબઈ મહાનગરપાલિકાને મળી ગઈ તો ભ્રષ્ટાચાર હજી વધવાની ભારોભાર શક્યતા છે.
વાત અહીં એમ છે કે શિવસેનાના નગરસેવિકા ઊર્મિલા પંચાલે એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. એમાં કરવામાં આવેલી માગણી મુજબ 2011ની સાલ સુધી ખાદ્ય પદાર્થમાં થતી મિલાવટ પર નજર રાખવાની, એને રોકવાની જવાબદારી મુંબઈ મહાનગરપાલિકાની હતી. જોકે કાયદામાં સુધારો થતાં એ અધિકાર FDA પાસે જતો રહ્યો હતો. FDA પાસે કાર્યવાહી કરવા પૂરતું મનુષ્યબળ નથી. તેમને ફરિયાદ મળે તો જ તેઓ કામ કરે છે. એમાં પણ મોટા ભાગે તેઓ મુંબઈ મનપાની જ મદદ લેતા હોય છે. તેમની કાર્યવાહી એકદમ ઠંડી જ હોય છે. એને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે. એથી ખાદ્ય પદાર્થમાં થનારી મિલાવટ પર નજર રાખવાની જવાબદારી ફરી પાલિકાને આપી દેવી જોઈએ.
ફિલ્મ પ્રોડ્યુસરની સાથે જ બે પ્રોડક્શન હાઉસ પણ બનાવટી વેક્સિનેશન ફ્રૉડના શિકાર બન્યા; જાણો વધુ વિગત
આ પ્રસ્તાવ પર મુંબઈ મનપાના હાઉસમાં ચર્ચા થશે. એમાં મંજૂરી મળ્યા બાદ તેને રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે, પરંતુ જો આ અધિકાર ફરી પાલિકાને મળી જાય તો લાઇસન્સ આપવાથી લઈને ખાદ્ય પદાર્થમાં થનારી મિલાવટ વગેરેમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા છે.