ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
અંધેરી ડી. એન. નગરથી દહિસર મેટ્રો-2 સેવા નવેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલાં આ માર્ગ પર ચાલેલા ટ્રાયલ રનનું ઉદ્ઘાટન કર્યું હતું. દહિસરના આનંદનગર વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશનને અપર દહિસર નામ આપવાનો સ્થાનિક લોકોએ ખૂબ વિરોધ કર્યો છે. એથી હવે સ્થાનિકોએ શિવસેનાના નેતા અને મ્હાડાના અધ્યક્ષ ડૉ. વિનોદ ઘોસલકરને એક પત્ર લખ્યો છે.
શિવસેનાના વિધાનસભાના કન્વીનર કર્ણ અમીને એક મીડિયા હાઉસને કહ્યું કે દહિસર વિસ્તાર ખૂબ મોટો છે, પરંતુ મેટ્રો સ્ટેશન સંપૂર્ણ રીતે આનંદનગરની હદમાં આવેલું છે. એથી એને અપર દહિસર નામ આપવું યોગ્ય નથી અને એ સ્થાનિક લોકોને માન્ય નથી. ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકા દ્વારા અહીં શાળાનું નામ પણ આનંદનગર પબ્લિક સ્કૂલ રાખવામાં આવ્યું છે અને પોલીસ સ્ટેશનનું નામ પણ આનંદનગર જ રાખવામાં આવ્યું છે. છેલ્લાં45 વર્ષથી આ વિસ્તારમાં ગણેશોત્સવ અને નવરાત્રીનો ઉત્સવ આનંદનગર ઉત્સવ સમિતિના નામથી મોટા પાયે ઊજવવામાં આવે છે અને આ વિસ્તાર આનંદનગર તરીકે જ ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે આ અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મુંબઈ ઉપનગરીય જિલ્લાના પાલક, પર્યટન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે સહિત મેટ્રો પ્રોજેક્ટ ઑથૉરિટી કમિશનર શ્રીનિવાસનને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. આ માગ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.