ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શુક્રવાર
થાણેમાં બાઇક સવાર લૂંટારૂઓએ રિક્ષામાં જતી એક મહિલાનો ફોન ખેચવાની કોશિશ કરી હતી મોબાઇલ ફોન બચાવવાના પ્રયાસમાં આ 27 વર્ષીય મહિલા રિક્ષામાંથી પડી ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી જયારે આ મહિલા તેણી સહેલી સાથે રિક્ષામાં ઘરે જઈ રહી હતી. આ મહિલા વિઆના મોલના સ્પામાં બ્યુટિશિયન તરીકે કામ કરતી હતી અને સાંતાક્રુઝ ખાતે કલીનામાં રહે છે.
આ ઘટના બનતા તરત જ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું તત્કાળ મૃત્યુ થઈ ગયું હતું. ગુરુવારે તેની સહેલીએ આ બાબતની ફરિયાદ નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. નૌપાડા પોલીસે ૨૪ કલાકની અંદર જ બંને આરોપી 20 વર્ષીય અલ્કેશ પરવેઝ મોમિન અન્સારી અને સોહેલ રમઝાન અન્સારી, 18ની ધરપકડ કરી હતી.
પોલીસની આ કામગીરી બદલ પોલીસ કમિશનરે નૌપાડા પોલીસ સ્ટેશનને ૨૫ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે આ જ પ્રકારની ઘટના લોકલ ટ્રેનમાં બની હતી. જેમાં કલવા સ્ટેશન નજીક એક મહિલા મોબાઈલ ચોર સાથે થયેલી ઝડપમાં ચાલતી ટ્રેનમાંથી નીચે પડી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.