ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈમાં લોકલ ટ્રેનમાં વેક્સિનના બંને ડોઝ લેનારા નાગરિકોને જ પ્રવાસ કરવા મળવાનો છે. એથી હવે વેક્સિનેશન સેન્ટરમાં લાંબી લાઇનો લાગવા માંડી છે. જોકે મુંબઈ મનપા સહિત સરકારી કેન્દ્રમાં વેક્સિનની અછત હોવાથી મોટા ભાગે આ સેન્ટર બંધ હોય છે. એથી નાગરિકોએ ખાનગી વેક્સિનેશન સેન્ટર તરફ દોટ મૂકી રહ્યા છે.
વેક્સિનના બન્ને ડોઝ લીધેલી વ્યક્તિ જ લોકલમાં પ્રવાસ કરી શકશે. એથી અત્યાર સુધી પાલિકા અને સરકારી સેન્ટરમાં મફતમાં વેક્સિન મળે એની રાહ જોઈ રહેલા નાગરિકો હવે વેક્સિન લેવા ઉતાવળિયા થઈ ગયા છે. વેક્સિનેશન સેન્ટર પર રાતથી જ લોકો લાંબી લાઇનમાં ઊભા રહી જતા હોવાનું દેખાઈ રહ્યું છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ લોકોને જોકે પાલિકા અને સરકારી સેન્ટરમાં આવતા લિમિટેડ વેક્સિનના સ્ટૉકને કારણે વેક્સિન લીધા વગર પાછા જવું પડી રહ્યું છે.
અત્યાર સુધી ખાનગી હૉસ્પિટલમાં પૈસા આપીને લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા. એને કારણે અનેક ખાનગી હૉસ્પિટલમાં વેક્સિનનો સ્ટૉક એમ જ પડી રહ્યો હતો. અમુક ખાનગી હૉસ્પિટલમાં વેક્સિનની એક્સ્પાયરી ડેટ નજીક આવી હોવાથી વપરાયા વગરની પડી રહેલી વેક્સિનને કારણે હૉસ્પિટલવાળા ટેન્શનમાં આવી ગયા હતા, પરંતુ સરકારની વેક્સિનના બન્ને ડોઝ લેનારાને જ ટ્રેનમાં પ્રવેશ મળશે એવી જાહેરાતથી લોકોએ હવે પૈસા ખર્ચીને પણ વેક્સિન લેવા દોડ મૂકી છે. એથી ખાનગી વેક્સિનેશન સેન્ટરમાં હવે તડાકો બોલાઈ જવાનો છે.