ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 જુલાઈ, 2021
બુધવાર
મુંબઈ ઍરપૉર્ટ પર વિમાનમાં પ્રવાસ કરી આવનારા ડોમેસ્ટિક પ્રવાસીઓને બહુ જલદી RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપૉર્ટ આપવામાંથી છુટકારો મળવાનો છે.
દેશમાં કોરોનાનો પ્રકોપ વધવાની સાથે જ દેશમાં આંતરરાજ્ય વિમાન પ્રવાસ કરનારા પ્રવાસીઓને 48 કલાક પહેલાંનો RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપૉર્ટ આપવો ફરજિયાત હતો. હવે મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. મોટા ભાગના નાગરિકોએ વેક્સિનના ડોઝ પણ લઈ લીધા છે. કોવિડ પ્રતિબંધક વેક્સિનના બંને ડોઝ લેનારા પ્રવાસીઓને મુંબઈમાં આવતા સમયે RT-PCR ટેસ્ટનો રિપૉર્ટ આપવામાંથી છુટકારો મળે એવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરીને વેક્સિનના બંને ડોઝ લેનારા પ્રવાસીઓને RT-PCR ટેસ્ટમાં રાહત આપવાની વિનંતી કરી છે.
મોટા ભાગના પ્રવાસીઓ વ્યાવસાયિક કામ માટે 24 કલાકમાં દેશનાં શહેરોમાં પ્રવાસ કરીને મુંબઈ આવતા હોય છે. આવા સમયે 48 કલાક પહેલાંનો RT-PCR ટેસ્ટ નેગેટિવ અહેવાલ લાવવો શક્ય બનતું નથી. વેક્સિનના બંને ડોઝ લેનારા પ્રવાસીઓના આ નિયમમાંથી બાકાત કરવાની વિનંતી કમિશનરે કરી છે.
કોરોનાની બીજી લહેર ફેબ્રુઆરી મહિનાથી મોટા પ્રમાણમાં ફેલાઈ હતી. રાજ્ય સરકારે બીજા રાજ્યમાંથી આવનારા પ્રવાસીઓ માટે આકરા પ્રતિબંધ લાદી દીધા હતા. એ મુજબ મુંબઈ ઍરપૉર્ટ પર 48 કલાક પહેલાંનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપૉર્ટ રજૂ કરવો ફરજિયાત કર્યો હતો. મુખ્યત્વે ગુજરાત, ગોવા, દિલ્હી, રાજસ્થાન અને કેરળથી આવનારા પ્રવાસીઓ માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.