ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈના મલાડમાં બુધવારે સ્પોર્ટસ કોમ્પ્લેક્સના ટિપુ સુલતાન નામકરણને લઈને જબરો વિરોધ પ્રર્દશન જોવા મળ્યો હતો. ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ સહિત બજરંગ દળના કાર્યાકર્તાઓએ મુંબઈમાં અનેક જગ્યાએ તેનો વિરોધ કર્યો હતો, જેમાં કાંદીવલીમાં વિરોધ પ્રદર્શન કરનારાઓની ચારકોપ પોલીસે ધરપકડ કરી હતી.
બુધવારે મલાડના મેદાનની બહાર તો તેના નામ કરણ કરવા સામે ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ નારાબાજી કરીને આંદોલન કર્યું હતું. એ સાથે જ મુંબઈના અનેક વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જેમાં કાંદિવલીના ચારકોપમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આંદોલનકારીઓને ચારકોપ પોલીસે અટકાયતમાં લીધા હતા. જોકે મોડેથી તેમને છોડી મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
કાંદિવલી (પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે તેમના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું હતું કે કે”ટિપુ વિરોધ કરવાનો ગુનો કરવાને કારણે અમને અટકાયતમાં લઈને ચારકોપ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. ઠાકરે સરકારની મોગલાઈ વિરુદ્ધ અંદરથી ચોંકી ગયેલા હિન્દુ યુવાનો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન બહાર ઉમટી પડયા હતા. હવે હિંદુઓ અપમાન સહન નહીં કરે.”