News Continuous Bureau | Mumbai
એક તરફ રેલવે દ્વારા ચાલુ કરવામાં આવેલી એરકંડિશન્ડ ટ્રેનોને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો રેલવે પ્રશાસન કરી રહ્યું છે, તો બીજી તરફ પ્રવાસી સંગઠને એસી લોકલને મોળો પ્રતિસાદ મળી
રહ્યો હોવાના દાવા કર્યો છે. એટલું જ નહીં પણ એસી લોકલના ટિકિટના દર ઘટાડવા માટે આંદોલનની ચીમકી પણ આપી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં મુંબઈગરાને એસી ટ્રેન રાહત આપી રહી હોવાનો દાવો સતત રેલવે પ્રશાસન કરી રહ્યું છે. સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઈનમાં એસી લોકલમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી ગઈ હોવાનો દાવો રેલવે પ્રશાસન કરી રહ્યું છે. જોકે પ્રવાસી સંગઠને કંઈ અલગ જ દાવો કરીને રેલવે પ્રશાસન સમક્ષ પોતાની માગણીઓ મૂકી છે.
આ સમાચાર પણ વાંચો :મુંબઈમાં પાણીની ચોરીને અટકાવવા માટે BMCએ લીધો આ નિર્ણય; ખર્ચશે આટલા કરોડ રૂપિયા… જાણો વિગતે
પ્રવાસી સંગઠનના દાવા મુજબ એસી લોકલને મોળો પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય લોકલ સેવાની ફેરી રદ કરીને તેની જગ્યાએ એસી લોકલ દોડાવવામાં આવી રહી છે, જેને કારણે લોકોને ભારે હાલાકી થઈ રહી છે. એસી લોકલની ટિકિટ પણ પરવડે એવી નથી. તેથી એસી ટ્રેનની ટિકિટના ભાવ ઘટાડો નહીં તો આંદોલન કરશું એવી ચીમકી પ્રવાસી સંગઠને રેલવે પ્રશાસનને આપી છે. આ સંગઠને કેન્દ્રીય રેલવે રાજ્ય પ્રધાન રાવસાહેબ દાનવે સાથે પત્રવ્યવહાર પણ કર્યો હોવાનું કહેવાય છે.
એસી લોકોલની ટિકિટ ફર્સ્ટ ક્લાસની ટિકિટ કરતા 1.3 ગણી વધારે છે. જે સામાન્ય નાગરિકના ગજા બહારની વાત છે. ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરનાર પ્રવાસી પણ એસી લોકલ તરફ વળ્યા નથી. તેથી એસી લોકલની ટિકિટના ભાવમાં ઘટાડો કરવો જરૂરી હોવાની માગણી પણ પ્રવાસી સંગઠને કરી હતી.