ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 જૂન 2021
ગુરુવાર
કોરોનાને પગલે પહેલેથી આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા મુંબઈગરાને વધુ આર્થિક ફટકો પડવાનો છે. મુંબઈ મહાનગરપાલિકાએ પોતાની ખાલી થઈ ગયેલી તિજોરી ભરવા માટે હવે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલના રેડીરેકનર મુજબ આ વધારો થવાનો છે, જે લગભગ 14થી 25 ટકા રહેશે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવાથી પાલિકાની આવકમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાનો વધારો થવાનો અંદાજો છે.
મુંબઈમાં દર પાંચ વર્ષે પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવતો હોય છે. છેલ્લે 2015માં પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો કરવામાં આવ્યો હતો. એ મુજબ 2020માં એમાં વધારો કરવામાં આવવાનો હતો. જોકે કોરોના મહામારીને પગલે નિર્ણય લંબાઈ ગયો હતો. હવે આગામી ચાર વર્ષ માટે એટલે કે 2025 સુધી કરમાં વધારો થશે.
બુધવારે સ્થાયી સમિતિમાં આ પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો. જોકે વિરોધ પક્ષના વિરોધને પગલે આગામી બેઠક સુધી પ્રસ્તાવ સ્થગિત કરવામાં આવ્યો છે. પ્રૉપર્ટી ટૅક્સમાં વધારો જમીન અથવા બિલ્ડિંગના કૅપિટલ વૅલ્યૂ પર પહેલી એપ્રિલ 2021ના અમલમાં રહેલા રેડીરેકનરના દરને આધારિત હશે. એટલે કે મુંબઈના જે-તે વિસ્તારના રેડીરેકનરના દર મુજબ પ્રૉપર્ટી ટૅક્સ લેવામાં આવશે.