ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021
બુધવાર
ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટક પદાર્થ મૂકવાના કાવતરાના માસ્ટર માઇન્ડ સચિન વાઝે અને તેની ગૅન્ગ વિરુદ્ધ નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજેન્સી (NIA)એ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. એમાં સચિન વાઝેએ તેની ગૅન્ગ સાથે મળીને મુકેશ અંબાણી પાસે ખંડણી માગવાની યોજના બનાવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પ્રકરણ બાદ સચિન વાઝેને મુંબઈ પોલીસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીના મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈસ્થિત એન્ટાલિયા નિવાસસ્થાન બહારથી વિસ્ફોટક પદાર્થ મૂકેલી એક કાર મળી આવી હતી.
ચાર્જશીટ મુજબ વિસ્ફોટક પદાર્થ મૂકીને મુકેશ અંબાણીને ડરાવીને તેમની પાસેથી ખંડણી માગવાનો ઉદેશ્ય હતો. આ પૂરા કાવતરામાં મુંબઈ પોલીસના પાંચ અધિકારી અને એક રિટાયર્ડ પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. એમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માનો સમાવેશ થાય છે. NIAની ચાર્જશીટ મુજબ આ પોલીસ અધિકારીઓમાંથી અમુક લોકો ક્રિમિનલ રેકૉર્ડ પણ ધરાવે છે. મુકેશ અંબાણીને ડરાવવા માટે સચિન વાઝેએ કારમાં એક ચિઠ્ઠી પણ મૂકી હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. તેમ જ તપાસને ગેરમાર્ગે દોરવા માટે ટેલિગ્રામ ઍપ પર એક મૅસેજ પણ મૂકવામાં આવ્યો હતો. એમાં પૂરા કાવતરામાં આતંકવાદી જૂથનો હાથ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સચિન વાઝેએ કારના માલિક મનસુખ હિરનની હત્યાનું પણ કાવતરું રચ્યું હોવાનો આરોપ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે.