ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
જમીન પર અતિક્રમણ કરી એને ગેરકાયદે પચાવી પાડનારાઓનું હવે આવી બનશે. ગેરકાયદે બાંધકામને તથા અતિક્રમણને રોકવા માટે પાલિકા GIF એટલે કે જિયોગ્રાફ્રિક્સ ઇન્ફર્મેશન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાની છે. એમાં સેટલાઇટ્સની મદદથી ગેરકાયદે બાંધકામનું સર્વેક્ષણ કરવામાં આવશે.
GIF સિસ્ટમ ડેવલપ કરવા માટે BMC સાડાદસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે. આ સિસ્ટમ હેઠળ મુંબઈના જુદા જુદા વિસ્તારનું સેટેલાઇટથી સર્વેક્ષણ કરવામાં આવશે. ખાસ કરીને મુંબઈની નદી, નાળાં તેમ જ મેન્ગ્રોવ્ઝ હોય એવા સ્થળે ભરણી કરવામાં આવે છે. પછી એ જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવે છે. એથી GIF ટેક્નોલૉજીની મદદથી એના પર નજર રાખીને મેન્ગ્રોવ્ઝનું રક્ષણ પણ કરી શકાશે તથા જમીન પર થનારા અતિક્રમણને પણ રોકી શકશે.
અહીં ઉલ્લેખનીય છે કે પાલિકા પાસે જમીન પરના તમામ બાંધકામની નોંધણી, એના નકશા હોય છે. જમીનના ક્ષેત્રફળની માહિતી પણ હોય છે. પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવા માટે પાલિકા પાસે એની નોંધ હોય છે. જોકે મુંબઈમાં ઠેરઠેર થતાં ગેરકાયદે બાંધકામ પર નજર રાખવું પાલિકા માટે શક્ય નથી. એથી GIF સિસ્ટમની મદદથી તમામ બાંધકામની નોંધ પાલિકા પાસે રહેશે. સેટેલાઇટ્સથી જે સર્વે કરવામાં આવવાનો છે, એ 360 અંશમાં કરવામાં આવવાનો છે. એથી એક ક્લિક પર તમામ ગેરકાયદે બાંધકામ, અતિક્રમણની માહિતી એને મળી જશે. આવી રીતે ગેરકાયદે બાંધકામ કરનારો સામે કાર્યવાહી કરવાનું પણ સરળ રહેશે.