ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 જૂન 2021
સોમવાર
શિવસેના થાણેના વિધાનસભ્ય પ્રતાપ સરનાઈકે શિવસેનાને ફરીથી ભાજપ સાથે યુતિ કરી લેવાની માગણી કરી છે. આ માગણી સાથેનો પત્ર તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. એને કારણે રાજકીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં તેમણે મહાવિકાસ આઘાડીના કૉન્ગ્રેસ અને NCP શિવસેનાને બહુ ત્રાસ આપી રહ્યા છે. એથી શિવસેનાએ હવે ફરીથી ભાજપ સાથે જોડાણ કરી લેવું જોઈએ. આ બંને પક્ષોને કારણે શિવસેનાના નેતાઓને ભારે ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. એવા આરોપ પણ પ્રતાપ સરનાઈકે કર્યા છે. તેમના આ પત્રને કારણે મહારાષ્ટ્રમાં રાજકીય વાતાવરણ બરોબરનું ગરમાયું ગયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ED) લાંબા સમયથી પ્રતાપ સરનાઈક અને તેના પુત્રની મની લૉન્ડ્રિંગના કેસમાં તપાસ કરી રહી છે, પરંતુ હાલ પ્રતાપ સરનાઈક લાપતા છે. તેમના ઘર પર અને ઑફિસ પર EDએ છાપા પણ માર્યા હતા. છતાં તેઓ EDના હાથમાં આવી નથી રહ્યા. ત્યારે કેન્દ્રીય એજેન્સીઓની તપાસોથી બચવા પ્રતાપ સરનાઈકે શિવસેનાને આવી સલાહ આપી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.
પ્રતાપ સરનાઈકે પત્રમાં પોતાના જૂના મિત્ર ભાજપ સાથે ફરી દોસ્તી કરી લેવામાં જ ફાયદો હોવાની સલાહ આપી છે. આગામી વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા, થાણે તથા અન્ય પાલિકાઓની ચૂંટણી છે. ભાજપ સાથે યુતિ તૂટી ગઈ છે. છતાં હજી સુધી બંને પક્ષોના નેતાઓ વચ્ચે હજી પણ વ્યક્તિગત સંબધો તથા લગાવ અકબંધ રહ્યો છે. એ પણ તૂટી જાય એ પહેલા બંને પક્ષોએ ફરી એકજૂટ થઈ જવું જોઈએ. જેથી અમારા જેવા કાર્યકર્તા અને શિવસેનાને ભવિષ્યમાં ફાયદો થશે એવું પણ તેમણે પત્રમાં લખ્યું છે.
એટલું જ નહીં પણ NCP અને કૉન્ગ્રેસને કારણે શિવસેનાને ભારે ત્રાસ થઈ રહ્યો છે. NCP તો શિવસેનાને મહારાષ્ટ્રમા નબળી કરવા માગે છે એવો આરોપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ માટે સારું કામ કરી રહ્યા છે. એથી તેમની સાથે મળીને કામ કરવામાં જ શિવસેનાનો ફાયદો છે એવું પણ તેમણે પત્રમાં લખ્યું છે. જોકે તેમના આ પત્ર સામે NCP અને કૉન્ગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે.