ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાની હાલની મુદત માર્ચમાં પૂરી થઈ રહી છે. મહારાષ્ટ્ર સરકારે હાલ તો ચૂંટણી જાહેર થાય નહીં ત્યાં સુધી તેના પર પ્રશાસન નીમી દીધો છે. જોકે શિવસેના અને ભાજપે બંને પક્ષોએ આ વખતે પાલિકામાં એકહથ્થુ સત્તા હાંસિલ કરવા કમર કસી લીધી છે. બંને પક્ષોએ મુંબઈ પાલિકાની સત્તા પોતે જ બહુમતીએ હાસિલ કરશે એવો દાવો કરી રહી છે.
ભાજપ અને શિવસેના માટે મુંબઈ મનપાની ચૂંટણી જીતવી જીવન-મરણનો પ્રશ્ન થઈ ગઈ છે, ત્યારે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેના 125 બેઠકો જીતશે. શિવસેના આ ચૂંટણીમાં 150 સીટો જીતવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, અમને ઓછામાં ઓછી 125 બેઠકો મળશે, એવો દાવો મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબે કર્યો છે.
એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં અનિલ પરબે કહ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી શિવસેના અને ભાજપ વચ્ચે અણબનાવ વધી છે. EDની તાજેતરની કાર્યવાહીથી આ વધુ જટિલ બન્યું છે. આ વખતની મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી શિવસેના અને ભાજપ વચ્ચે આરપારની રહેશે.
અનિલ પરબે અખબારના આપેલા ઈન્ટરવ્યૂ મુજબ, મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરે વ્યૂહરચના બનાવી રહ્યા છે. આ બંને નેતાઓ મુંબઈની રગેરગથી વાકેફ છે. તેથી અન્ય પક્ષો સાથે જોડાણ, બેઠકોની ફાળવણી અને અન્ય વ્યૂહરચના અંગે તેઓ અંતિમ નિર્ણય લેશે.
મુંબઈકરોને શિવસેના પોતાની લાગે છે. મુંબઈમાં રહેતી દરેક વ્યક્તિ માને છે કે શિવસેનાના કારણે તેમની માતા અને બહેન સુરક્ષિત છે. અમે મુંબઈમાં એક વખત નહીં પણ છેલ્લા 25 વર્ષથી ચૂંટાઈ રહ્યા છે. એનો અર્થ એ છે કે તેઓ અમને તેમના માને છે તેથી એન્ટી ઇન્કમ્બન્સીનો પ્રશ્ન જ નથી.