ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જુલાઈ 2021
બુધવાર.
મુંબઈમાં કોરોની બીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. મંગળવારે મુંબઈમાં કોરાનાથી માત્ર પાંચ દર્દીના મોત થયા છે. આ અગાઉ સોમવારે 8 મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા એક વર્ષનો આ સૌથી ઓછો મૃત્યુ આંક છે. જયારે નવા માત્ર 343 દર્દી નોંધાયા હતા. દિવસ દરમિયાન 28,058 કોરોનાના ટેસ્ટ થયા હતા. હાલ મુંબઈમાં કોરોનાના માત્ર 5,267 જ એક્ટિવ કેસ છે.
છેલ્લા થોડા દિવસથી મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા 300થી 400ની આસપાસ નોંધાઈ રહી છે. જે મુંબઈગરા માટે રાહતજનક સમાચાર છે. પાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ કોરોનાને પગલે લાદવામાં આવેલા નિયમોનું પાલન કરવાની સાથે જ વેક્સિનેશનને કારણે કોરોના નિયંત્રણમાં આવી રહ્યો છે. મુંબઈમાં અત્યાર સુધી 60 ટકા મુંબઈગરાએ વેકિસન લઈ લીધી છે. એટલે કે લગભગ 69,09,568 લોકોએ વેક્સિન લઈ લીધી છે.