ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
શહેરમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં છે, જોકે એને હજી પણ સંપૂર્ણપણે નાબૂદ કરી શકાઈ નથી. હવે ઑગસ્ટમાં ત્રીજી લહેરની સંભાવના છે, એમ નિષ્ણાતોનો મત છે. આ સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે પાલિકાએ બેડથી લઈને આરોગ્યની અન્ય સુવિધાઓ સુધીનું આયોજન શરૂ કર્યું છે. પાલિકાએ ત્રીજી લહેર માટે 8,000 બેડ્સનું આયોજન કર્યું છે.
હાલમાં ચાલી રહેલા જમ્બો કોવિડ સેન્ટરોમાં આશરે 70થી 80 ટકા બેડ્સ ખાલી છે. એથી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાલિકા હાલના જમ્બો કોવિડ સેન્ટરમાં 60 ટકા બેડ્સ ભરાયા પછી જ નવું જમ્બો કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવશે. ટાસ્ક ફોર્સના સભ્યો પહેલેથી જ આ મત વ્યક્ત કરી ચૂક્યા છે કે લોકોની બેદરકારી ત્રીજી લહેર માટે જવાબદાર બની શકે છે. દરમિયાનછેલ્લા કેટલાક દિવસોમાં ફરી પૉઝિટિવિટી રેટમાં વધારો થયો છે. દરરોજ સરેરાશ 30,000 લોકોનાં કોરોના માટે પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં 2 ટકા કોરોના પૉઝિટિવ હોવાનું જણાયું છે.
પરિસ્થિતિ નિયંત્રણમાં હોવા છતાં પાલિકા સંભવિત ત્રીજી લહેર માટે તૈયારી કરી રહી છે. મલાડ, કાંજુરમાર્ગ, મહાલક્ષ્મી રેસકોર્સ અને સાયન ખાતેના નવાં જમ્બો સેન્ટરોમાં પાલિકા 5,500 બેડ્સ પૂરા પાડશે અને એમાંથી 80 ટકા બેડ્સ ઑક્સિજન સાથેના હશે. હાલ ગોરેગાંવમાં નેસ્કો, અંધેરીમાં સેવન હિલ્સ, વરલીમાં NSCI અને ભાયખલામાં જમ્બો કોવિડ સેન્ટર કાર્યરત છે. હાલ ગોરેગાંવ નેસ્કો જમ્બો સેન્ટરમાં ફક્ત 136 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અન્ય કોવિડ કૅર સેન્ટર્સ ફક્ત 10 ટકા ભરેલાં છે.
આ સંદર્ભે મ્યુનિસિપલ કૉર્પોરેશનના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “જમ્બો સેન્ટરોમાં ૬૦ ટકા બેડ્સ ભરાશે ત્યાર બાદ જ બાંદ્રા BKC, દહિસર અને મુલુંડ જમ્બો સેન્ટરો તબક્કાવાર રીતે કાર્યરત થશે. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે અને બેડ્સ ખાલી હોવાનું ચિત્ર છે.” મહાનગરપાલિકાના ડેશ બોર્ડ અનુસાર 2,401ICUબેડમાંથી 1,315 બેડ ખાલી છે, તો 1309 વેન્ટિલેટર બેડ્સમાંથી, 699 વેન્ટિલેટર બેડ્સ ખાલી છે. એ જ રીતે 9,292 માંથી 7,785ઑક્સિજન બેડ્સ ખાલી છે.