ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈગરાની સેવા માટે રેલવે એસી લોકલ ટ્રેન લઈ આવી હતી. જોકે અપૂરતા પ્રવાસીઓને કારણે મોટા ભાગે આ ટ્રેન ખાલી જ દોડતી હોય છે, ત્યારે પૂરી એસી લોકલ દોડાવાને બદલે સાદી લોકલ ટ્રેનમાં અમુક એસી કોચ જોડીને સેમી એસી દોડવવાનો રેલવે પ્રશાસન પ્રયાસ કરી રહી હતી. જોકે મુંબઈમાં રેલવે રૂટ પર સેમી એસી લોકલ ટ્રેન દોડાવવું ટેક્નિકલી અશક્ય હોવાનું જણાઈ આવ્યું છે. એથી રેલવે પ્રશાસન સેમી એસી લોકલ ટ્રેનનો પ્રયોગ પડતો મૂકે એવી ભારોભાર શક્યતા છે.
હાલ ઉપનગરીય માર્ગ પર વેસ્ટર્નમાં ચર્ચગેટથી વિરાર અને સેન્ટ્રલ લાઇનમાં CSMTથી કલ્યાણ અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં થાણેથી વાશી અને પનવેલ વચ્ચે એસી લોકલ ટ્રેન દોડાવામાં આવે છે. સાદી લોકલ ટ્રેનના ફર્સ્ટ ક્લાસના ભાડા કરતાં પણ એસી લોકલની ટિકિટનું ભાડું દોઢ ગણું વધુ છે. ભાડું વધુ હોવાથી મોટા ભાગના લોકો એસી લોકલમાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. મોટા ભાગના સમયે એસી લોકલ ખાલી જ દોડતી હોય છે.
એસી લોકલને બદલે સેમી એસી દોડવવા બાબતે રેલવે પ્રશાસને વિચાર કર્યો હતો. એ માટે વેસ્ટર્ન રેલવેમાં પ્રયોગ પણ હાથ ધરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રેન દોડાવવામાં અનેક અડચણો આવી રહી હતી, જેમાં સેમી એસી લોકલના દરવાજા ખોલવા બંધ કરવામાં લાગતો સમય, સામાન્ય પ્રવાસીઓની ડબ્બામાં ચડવા-ઊતરવા થતી ધક્કામુક્કીને કારણે આ પ્રયોગ બિનવ્યવહારુ લાગ્યો છે. એથી હાલ પૂરતો રેલવેએ સેમી એસી લોકલ ટ્રેન દોડવવાનો વિચાર માંડી વાળ્યો છે.