ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોના અને તેના નવા વેરિઅન્ટ ઓમાઈક્રોન કેસમા દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. તેથી દુકાનમાં વ્યવસાય કરતા વેપારીઓમાં અને તેમના કર્મચારીઓને દિવસ આવતા ગ્રાહકોને કારણે કોરોના સંક્રમિત થવાનું જોખમ વધી ગયું છે. તેથી વેપારીઓની સંસ્થા ધ રિટેલ ગ્રેન ડીલર એસોસિએશન દ્વારા કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ની સાથે મળીને વેપારીઓ અને તેમના કર્મચારીઓ માટે ફ્રી કોરોના પ્રોટેક્શન કીટનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે.
મફતમાં કોરોના પ્રોટેકશન કીટનું વિતરણનો કાર્યક્રમ શુક્રવાર 14મી જાન્યુઆરી 2022ના રોજ મસ્જિદ બંદર સ્થિત ગ્રેન ડીલર હોલમાં રાખવામાં આવ્યો છે.
ધ મુંબઈ ગ્રેન ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ના મુંબઈના ચેરમેન રમણીક છેડાએ ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું કે આ કોરોના સુરક્ષા કીટનું વિતરણ શુક્રવાર 14-01-2022 ના રોજ બપોરે 12 થી 6 વાગ્યા દરમિયાન મફત કરવામાં આવ્યું હતું. આ કીટમાં માસ્ક (બે નંગ), પ્લાસ્ટિક ફેસ શિલ્ડ (એક નંગ) અને લેટેક્સ હેન્ડ ગ્લોવ્સ (એક જોડી)નો સમાવેશ થાય છે. સંસ્થાના સભ્યોને તેમના સભ્યપદ કાર્ડ પર સોમવારથી શુક્રવાર બપોરે 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વધુમાં વધુ બે કીટ મફતમાં આપવામાં આવશે.
કીટનો સ્ટોક ઉપલબ્ધ થશે તો વધુ થોડા દિવસ આ કીટનું વિતરણ ચાલુ રાખવામાં આવશે એવું પણ રમણીક છેડાએ જણાવ્યું હતું.
રમણીક છેડાએ વધુમાં જણાવ્યું હતું કે, અસોસિયેશનના સભ્યોને તો કીટસ આપવામાં આવશે. સાથે જ અન્ય સંસ્થા સાથે જોડાયેલા વેપારી, કર્મચારીઓને પણ કીટનું વિતરણ કરવામાં આવશે.