ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 મે 2021
મંગળવાર
મુંબઈમાં ફાયર બ્રિગેડ દ્વારા તમામ હૉસ્પિટલ અને નર્સિંગ હોમમાં ફાયર સેફ્ટી સિસ્ટમનું ઑડિટ કરવામાં આવ્યું હતું. મોટા ભાગની હૉસ્પિટલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો કામ નહીં કરતાં હોવાનું જણાયું હતું. એથી આ હૉસ્પિટલ અને નર્સિંગ હોમને ફાયર બ્રિગેડે નોટિસ મોકલી હતી. નોટિસમાં તેઓને તાત્કાલિક ફાયર સેફ્ટીનાં સાધનો બેસાડવા અને એનું સમારકામ કરવાની સલાહ આપવામાં આવી હતી. હૉસ્પિટલોને આપેલી મુદત પૂરી થયા છતાં 487 હૉસ્પિટલ તથા નર્સિંગ હોમમાંથી હજી સુધી 237 હૉસ્પિટલ અને નર્સિંગ હોમે ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કર્યું નથી. એથી આ હૉસ્પિટલમાં ગમે ત્યારે આગ લાગતાં દર્દીનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભંડારાની હૉસ્પિટલમાં 9 જાન્યુઆરીનાં બાળકોના વૉર્ડમાં ભીષણ આગ લાગી હતી. એમાં 10 બાળકોનો ભોગ લેવાયો હતો. ત્યાર બાદ મુંબઈના ભાંડુપમાં ડ્રીમ્સ મૉલમાં આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેમાં 11 દર્દીનાં મોત થયાં હતાં. એથી મુંબઈ ફાયર બ્રિગેડે હૉસ્પિટલ અને નર્સિંગ હોમનું ઑડિટ કરીને જ્યાં ફાયર સેફ્ટી સિસ્ટમ કામ ન કરતી હોય તેમને નોટિસ ફટકારી હતી. નોટિસ મોકલવાના 120 દિવસમાં તેમને ફાયર સેફ્ટી સિસ્ટમ ચાલુ કરવાનું કહેવામાં આવ્યું હતું. છતાં મોટા ભાગની હૉસ્પિટલે એની તરફ બેદરકારી દાખવી છે.
મુંબઈમાં લાગનારી મોટા ભાગની આગ શૉર્ટ સર્કિટને કારણે હોય છે. એથી ફાયર ઑડિટની સાથે ઇલેક્ટ્રિક ઑડિટ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.