ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,૨ જૂન ૨૦૨૧
બુધવાર
મહાનગર મુંબઈમાં સુવિધાઓ પૂરી પાડનારી એશિયાની સૌથી શ્રીમંત મુંબઈ મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગે આજે એક ન્યુઝલેટર બહાર પાડી જાણકારી આપી હતી કે તેણે રસ્તા પર થૂંકનારાઓ પાસેથી કુલ ૨૮ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. હાલમાં આ દંડ વ્યક્તિદીઠ ૨૦૦ રૂપિયાનો છે.
જાહેર સ્થળોએ થૂંકવાને કારણે કોરોના સહિત અન્ય રોગો ફેલાય છે અને શહેરમાં ગંદકી થાય છે, એથી મહાનગરપાલિકા આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી દંડ વસૂલે છે. પાલિકાએ છેલ્લા સાત મહિનામાં આવા ૧૪ હજારથી વધુ લોકોને દંડ કરી અને ૨૮ લાખ ૬૭ હજાર રૂપિયા વસૂલ કર્યા છે. આમાંનો સૌથી વધુ 4,70,200 રૂપિયાનો દંડ એલ વૉર્ડમાંથી વસૂલાયો હતો.
ઉલ્લેખનીય છે કે હવે આ દંડની રકમ વધારવામાં આવશે. આ સંદર્ભે જાહેર હિતની અરજીમાં હાઈ કોર્ટ દ્વારા પાસ કરાયેલા આદેશ મુજબ પગલાં વધુ તીવ્ર બનાવવા તેમ જ અસરકારક જનજાગૃતિ લાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રકમ માત્ર 200 રૂપિયા છે, એથી આ રકમ વધારવાની વાત વહીવટી તંત્રની વિચારણા હેઠળ હતી અને હવે આ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલે તાજેતરમાં જ એની મંજૂરી આપી દીધી છે.