ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧
સોમવાર
મેઘરાજાએ છેલ્લા બે દિવસથી મુંબઈમાં માઝા મૂકી છે. સામાન્ય કરતાં વધુ વરસાદને કારણે મુંબઈ જળબંબાકાર થઈ ગયું છે. હવામાન વિભાગે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ શહેરમાં ૪૪.૪ મિલીમીટર, મુંબઈના પરા વિસ્તારમાં ૭૦.૪ મિલીમીટર તો થાણેમાં જબરદસ્ત ૧૧૮ મિલીમીટર વરસાદ પડ્યો છે.
મુંબઈમાં સતત પડી રહેલો આ વરસાદ ટૂંક સમયમાં બંધ થાય એવી શક્યતા ઓછી છે. હવામાન વિભાગે તાજેતરમાં બહાર પાડેલી સેટેલાઇટ તસવીરમાં દેખાય છે કે ખૂબ મોટી સંખ્યામાં વરસાદી વાદળો મહારાષ્ટ્ર અને કોંકણપટ્ટાની આસપાસ ફરી રહ્યાં છે. એક વાત સ્પષ્ટ છે કે આવનાર સમયમાં આ વાદળો મુંબઈ તરફ ઝડપી ગતિએ પ્રયાણ કરશે અને મુંબઈમાં વરસાદ લાવશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં આ અતિ ભારે વરસાદને પગલે લોકોનું જીવન પ્રભાવિત થયું છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોની હાલાકીનો પાર રહ્યો નથી. ઉપરાંત આ વરસાદને પગલે દીવાલ પડવાથી અને બીજી હોનારતોને પગલે ૩૩ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તો કેટલાક લોકોએ પોતાનું ઘર ગુમાવ્યું છે.