ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈમાં છેલ્લા બે દિવસથી સાડા આઠ હજારની આસપાસ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. દિવસેને દિવસે આ આંકડો હજી ઉપર જવાની શક્યતા છે, ત્યારે રોજનો આંકડો 20,000ને પાર કરશે ત્યારે શહેરમાં આકરા પ્રતિબંધ લાદવા પડશે એવી ચેતવણી મુંબઈના મેયર કિશોરી પેડણેકરે આપી છે.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીની વધી રહેલી સંખ્યા ચિંતા ઉપજાવનારી છે. ત્યારે મુંબઈમાં રોજનો કોરોનાના દર્દીનો આંકડો 20,000ને પાર કરશે તો મિની લોકડાઉન લાદવું પડશે એવી ચોખ્ખા શબ્દોમાં મેયરે ચેતવણી આપી હતી. હાલ લોકડાઉન કોઈને પણ આર્થિક રીતે પરવડશે નહીં, તેથી કોરોનાને લગતા નિયમોનું સખતાઈ પૂર્વક પાલન કરવાનું અને ભીડ ટાળવાનું, માસ્ક પહેરવાનું જ લોકોને ઉપયોગી સાબિત થશે એવી સલાહ પણ મેયરે આપી હતી.
મેયરે કહ્યું હતું કે એકાદ બે દિવસમા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હાલની પરિસ્થિતિ બાબતે વાત કરશે. કોરોના વિરુદ્ધ લડત લડવા હોસ્પિટલમાં તૈયારીઓ કરી નાખવામાં આવી છે. જેનામાં લક્ષણો જણાય છે, તેણે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે અને જે લક્ષણો ધરાવતા નથી, તેમને ઘરમાં ક્વોરન્ટાઈન થવાનું રહેશે.
મેયરે લોકોને સાર્વજિનક સ્થળે ભીડ ઓછી કરવાની અપીલ કરી હતી. તેમ જ જાહેર કાર્યક્રમમાં ભીડ ઓછી કરવાની અને ઓછા માણસો સાથે કાર્યક્રમ પતાવી દેવાની અપીલ પણ કરી હતી.