ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
પ્રાઇવેટ શાળાઓની ફી નિયંત્રિત કરાવવા સદાય લડાઈ લડતી સંસ્થા ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશને હવે પ્રાઇવેટ શાળાઓને મામલે હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સંસ્થાએ બૉમ્બે હાઈ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન (PIL) દાખલ કરી છે. શાળાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલી અતિશય અને ગેરવાજબી ફી અંગે વાલીઓની અનેક ફરિયાદ મળતાં ગઈકાલે સંસ્થા દ્વારા જનહિતની અરજી દાખલ કરાઈ હતી.
આ અરજીમાં માગ કરાઈ છે કે ઑનલાઇન વર્ગમાં શાળા દ્વારા મોટા પ્રમાણમાં બચત થતાં ટ્યૂશન ફીમાં ઓછામાં ઓછા 50% ઘટાડો થવો જોઈએ. બિનઉપયોગી સેવાઓ અથવા સેવાઓ કે જે બાળકોને શાળા દ્વારા પ્રદાન કરવામાં આવી નથી એ ફીની કુલ માફી. ફક્ત તેમનાં માતાપિતા ફીની કુલ રકમ ચૂકવી શકતાં ન હોવાથી કોઈ પણ બાળકને શાળામાંથી કાઢી મૂકવા અથવા ઑનલાઇન લેક્ચરમાંથી દૂર કરાવવાં જોઈએ નહીં.
ઉપરાંત જો ફી સંપૂર્ણરૂપે ભરવામાં ન આવી હોય છતાં કોઈપણ બાળકનું એલસી ટીસી નામંજૂર ન કરવું જોઈએ. બાળકોની પરીક્ષાનું ફૉર્મ અટકાવવું જોઈએ નહિ અને ફી ન ભરવાના કારણે કોઈ પણ બાળકને પરીક્ષા/આકારણીથી વંચિત રાખવું જોઈએ નહીં. અરજીમાં ઉમેરાયું છે કે મહારાષ્ટ્રમાં પણ રાજસ્થાન સ્કૂલ ફીના મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો લાગુ કરવામાં આવે.
તો ઑક્ટોબરમાં શરૂ થશે અંધેરી-દહિસર વચ્ચે મેટ્રો; જાણો શું છે હાલની સ્થિતિ
આ સંદર્ભે વાતચીત કરતાં ફોરમ ફૉર ફેરનેસ ઇન એજ્યુકેશના ચૅરમૅન જયંત જૈને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “પ્રાઇવેટ શાળાઓ ઘણી ધનાઢ્ય છે, ઘણી શાળાઓ પાસે કરોડો રૂપિયાના રિઝર્વ ફંડ્સ પણ ઉપલબ્ધ છે. જો શાળાઓ આવા કપરા કાળમાં એનો ઉપયોગ નહિ કરે તો ક્યારે કરશે?” તેમણે ઉમેર્યું હતું કે શાળાઓ પબ્લિક ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. તેઓએ આવા કપરા કાળમાં ધંધાકીય માનસિકતામાંથી બહાર આવવું જોઈએ.