ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જુલાઈ, ૨૦૨૧
બુધવાર
કોરોનાના કપરા કાળમાં વાલીઓ અને ખાનગી શાળાઓ વચ્ચે ફીનો વિવાદ જ્યારે સર્વોચ્ચ ન્યાયાલય સુધી પહોંચ્યો છે, ત્યારે મલાડની એક શાળાએ એક વર્ષની સંપૂર્ણ ફી માફ કરી છે. મલાડના માલવણી વિસ્તારમાં આવેલી આ અંગ્રેજી શાળાએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ની સંપૂર્ણ ફી જતી કરી વાલીઓને રાહત આપી છે. ઉપરાંત શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં પણ ઑનલાઇન શિક્ષણ ચાલુ છે માટે માત્ર ૫૦% ફી જ ઉઘરાવવામાં આવી છે.
હોલી મધર સ્કૂલે આ પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં સ્કૂલના સંસ્થાપક રફીક સિદ્દીકીએ આ માહિતી આપી છે. વર્ષ ૨૦૦૫માં શરૂ થયેલી આ શાળામાં હાલ ૬૬૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાની ફી માફ કરવા સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં કુલ ૧૫૦ ટન અનાજનું વિતરણ કરાયું છે.
મહારાષ્ટ્રમાં કોરોના સ્થિર, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા
ઉલ્લેખનીય છે કે અહીંના ૧૮ શિક્ષકો સહિત કુલ ૨૬ લોકોના સ્ટાફને ૫૦% ટકા પગાર સહિત રાશન આપવામાં આવે છે. કોરોનાના કાળમાં વાલીઓ પર બોજ ન વધારતાં શાળાના ખર્ચને પહોંચી વળવા શાળાની લૅબોરેટરી ભાડે આપવામાં આવી છે અને દર મહિને મળતા ભાડામાંથી સ્કૂલની ઇલેક્ટ્રિસિટી બિલ તેમ જ બીજા ખર્ચ કરવામાં આવે છે.