ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 જૂન 2021
મંગળવાર
અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓને મુંબઈમાં લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા ક્યુ-આર કોડ આપવાની મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે. એટલે નજીકના સમયમાં પણ મુંબઈમાં લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસની મંજૂરી મળવાની નથી, એવી સરકારે આડકતરી જાહેરાત કરી દીધી છે. લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવો એટલે બેસ્ટની બસને ફાયદો કરાવવાનું ષડ્યંત્ર એવી નારાજગી વેપારી વર્ગે વ્યક્ત કરી છે.
લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી ન હોય એટલે લોકોને બેસ્ટની બસનો જ પર્યાય બચ્યો છે. બેસ્ટની બસનું સંચાલન મુંબઈ મહાનગરપાલિકા કરે છે અને મુંબઈ પાલિકામાં શિવસેનાનું શાસન છે. બેસ્ટ ખોટ કરી રહી છે ત્યારે બેસ્ટને ફરી ઊભી કરવા સરકાર ગેમ રમી રહી છે એવું સામાન્ય નાગરિકોમાં જ નહીં, પણ હવે તમામ વર્ગમાં પણ એવું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ ઍસોસિયેશન્સના પ્રમુખ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લોકલ ટ્રેનમાં સામાન્ય નાગરિકોને પ્રવાસ કરવાની મંજૂરી આપી નથી. એની સાથે જ એસેન્શિયલ ટૂ એસેન્શિયલ કૅટૅગરીમાં આવતા લોકોને પણ ટ્રેનમાં પ્રવાસ કરવા પર આડકતરો પ્રતિબંધ મૂકી દીધો છે.
સરકારનું આ મૂર્ખામીભર્યું પગલું છે એવું જણાવતાં મિતેશ મોદીએ ક્હ્યું હતું કે એસેન્શિયલ ટૂ એસેન્શિયલ કૅટૅગરીમાં આવતા લોકોને પણ તેમની ઑર્ગેનાઇઝેશન પાસેથી ઍપ્લિકેશન લઈને ટ્રેનમાં પ્રવાસ કરવો પડવાનો છે. ફાર્માસ્યુટિકલ અને મેડિકલ સેક્ટરના સભ્યોને પણ હવે ટ્રેનમાં પ્રવાસ કરવા માટે તેમના ઑર્ગેનાઇઝેશનની મંજૂરી લેવી પડશે. એ કેટલું વાજબી કહેવાય? આનો સીધો ફાયદો બેસ્ટની બસને મળશે. રસ્તા પર ટ્રાફિકની સમસ્યા પણ વકરશે. બેસ્ટની બસમાં વધુ ભીડ થશે તો પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કેવી રીતે થશે? સરકારને આ નવા નવા તુક્કા ક્યાંથી મળે છે એ જ ખબર નથી પડતી.
સામાન્ય લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસને બદલે ખાનગી વાહનોમાં પ્રવાસ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે. આનાથી ટ્રાફિકની સમસ્યા હજી વકરશે. ખાનગી વાહનોને કારણે ઈંધણ પણ વધુ વપરાશે અને એને કારણે સરકારની તિજોરી ભરાશે એવો દાવો પણ તેમણે કર્યો હતો.