ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨3 જૂન ૨૦૨૧
બુધવાર
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કૅન્સરના દર્દીઓ અને તેમના સંબંધીઓને રહેઠાણની સુવિધા પૂરી પાડતા મ્હાડાના 100 ફ્લૅટ ટાટા મેમોરિયલ હૉસ્પિટલમાં સ્થાનાંતરિત કરવાના હાઉસિંગ વિભાગના નિર્ણયને મોકૂફ રાખ્યો છે. ગૃહનિર્માણ પ્રધાન જિતેન્દ્ર અવહાડે લીધેલા આ નિર્ણયનો સ્થાનિક લોકો અને શિવસેનાના નેતાઓએ વિરોધ કર્યો હતો. હવે અંતે શિવસેનાએ ટાટા હૉસ્પિટલમાં એક મહિનામાં મકાનો સ્થાનાંતરિત કરવાના નિર્ણયને મુલતવી રાખીને NCPને સમર્થન આપ્યું છે.
હાઉસિંગ વિભાગે કૅન્સરના દર્દીઓના સંબંધીઓને રહેઠાણની સુવિધા આપવા માટે ટાટા હૉસ્પિટલને 100 મકાનો આપવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ બિલ્ડિંગ રિપેર ઍન્ડ રીકન્સ્ટ્રક્શન બોર્ડને કરી રોડ પર હાજી કાસમ ચાવલ ખાતેની જાણીતી પ્રૉપર્ટી ગ્રુપ રિડેવલપમેન્ટ સ્કીમના કુલ 188 ફ્લૅટ મળ્યા છે. એમાંથી હાલમાં 300 ચોરસ ફૂટના 100 ફ્લૅટ ટાટા હૉસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
NCPના અધ્યક્ષ અને સાંસદ શરદ પવારના હસ્તે ફ્લૅટની ચાવી ટાટા મેમોરિયલ હૉસ્પિટલને સુપરત કરાઈ હતી.એ પછી, સ્થાનિકોએ આ નિર્ણય સામે આક્રમક વલણ અપનાવ્યું હતું અને સાંસદ અરવિંદ સાવંત અને ધારાસભ્ય અજય ચૌધરીને ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ આ બંને નેતા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા અને બાદમાં આ નિર્ણય સ્થગિત કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે આ અંગે જિતેન્દ્ર આવ્હાડે પ્રતિક્રિયા આપતાં મીડિયાને જણાવ્યું હતું કે “આ દુર્ભાગ્યપૂર્ણ છે કે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. આ અંગે મુખ્ય પ્રધાન તરફથી કંઈ પણ છુપાયેલું નથી. આ વિશે થોડી ગેરસમજ થઈ હશે. અમે ટૂંક સમયમાં મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કરીશું.”