ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑગસ્ટ, 2021
શુક્રવાર
લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી માટે સામાન્ય નાગરિક, રાજકીય પક્ષ, પ્રવાસી સંગઠનોથી લઈને હાઈ કોર્ટ પણ રાજ્ય સરકારને સવાલ કરી રહી છે. મુંબઈમાં રાજકીય પક્ષો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યાં છે, ત્યારે સરકાર પોતાની જવાબદારીને ધ્યાનમાં રાખીને સામાન્ય નાગરિકને લોકલ ટ્રેનમાં પ્રવાસ માટે મંજૂરી આપશે એવી સ્પષ્ટતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવી છે. કોરોનાના કેસમાં પણ ઘટાડો થઈને રોજના 300થી 400 કેસ નોંધાઈ રહ્યા છે. દુકાનો ખુલ્લી રાખવાનો સમય પણ રાતન 10 વાગ્યા સુધીનો કરી નાખવામાં આવ્યો છે, ત્યારે હવે સામાન્ય નાગરિકો માટે લોકલ ટ્રેનના દરવાજા ખોલી નાખવાની સતત માગણી થઈ રહી છે. આ મુદ્દે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લેતી ન હોવાથી સખત ટીકા થઈ રહી છે. પ્રવાસી સંગઠનો, રાજકીય પાર્ટીઓ અને સામાન્ય નાગરિકો પણ રોષે ભરાયા છે. એટલે સુધી કે હાઈ કોર્ટે પણ સરકારને આ મુદ્દે ઠપકો આપ્યો છે. છતાં નિર્ણય લેવાથી સરકાર દૂર ભાગી રહી હોવાનો આરોપ થઈ રહ્યો છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે નિયંત્રણો હળવાં કરવામાં આવી રહ્યાં છે. લોકલ ટ્રેન બાબતનો નિર્ણય પણ જવાબદારીનું ભાન રાખીને લેવામાં આવશે. ટૂંક સમયમાં જ એ બાબતે જાહેરાત કરવામાં આવશે ત્યાં સુધી નાગરિકોને સંયમ રાખવાની સલાહ તેમણે આપી હતી.