ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 21 ફેબ્રુઆરી 2022,
સોમવાર.
વાજતે ગાજતે મોટા પાયા પર ગયા અઠવાડિયામાં ઉદ્ઘાટન કરવામાં આવેલી વોટર ટેક્સીની સેવા એક અઠવાડિયામાં જ બંધ થઈ ગઈ છે. પ્રવાસીઓનો મોળો પ્રતિસાદ મળવાને કારણે બેલાપુર-મુંબઈ વચ્ચેની 56 સીટવાળી વોટર ટેક્સી સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે.
દક્ષિણ મુંબઈથી બેલાપુર, જેએનપીટી અને એલિફન્ટા રૂટ પર દેશની પ્રથમ વોટર ટેક્સી સેવા ગયા ગુરુવારથી ચાલુ કરવામાં આવી હતી, જેના માટે કેટામરન શ્રેણીની 56 સીટર ફેરી બોટ સહિત 10થી 30 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી આઠ બોટ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. 56 સીટર બોટનું ભાડું 290 રૂપિયા અને નાની બોટનું ભાડું 800થી 1,210 રૂપિયા હતું. જોકે પ્રવાસીઓ તરફથી મોળો પ્રતિસાદ મળતા છેવટે સર્વિસ અઠવાડિયાની અંદર જ બંધ થઈ ગઈ.
આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં થઇ 5 વર્ષની સજા અને આટલા લાખનો દંડ.. જાણો વિગતે
જોકે મુંબઈ-બેલાપુર રૂટ પર સર્વિસ આપનારી સંસ્થાના અધિકારીઓના દાવા મુજબ અપોલો-બે પરથી આ કેટારમન શ્રેણીની બોટ માત્ર બે દિવસ માટે પ્રાયોગિક ધોરણે ચાલુ કરવામાં આવી હતી. પ્રવાસીઓની સંખ્યા વધ્યા બાદ જ આ સેવા ચાલુ કરવામાં આવશે.
અહીં ઉલ્લેખનીય છે કે બેલાપુરથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ વચ્ચે દોડતી લોકલ ટ્રેનનું ભાડું 20 રૂપિયા છે ત્યારે પ્રવાસીઓ વોટર ટેક્સી માટે 800 રૂપિયા ખર્ચવા તૈયાર થાય એવી શક્યતા નહીંવત હોવાનું પહેલાથી ચર્ચાઈ રહ્યું હતું. એટલું જ નહીં પણ વોટર ટેક્સીની સેવા પણ મર્યાદિત છે. બે ફેરી વચ્ચે એકથી દોઢ કલાક રાહ જોવી પડે છે. તેથી આ સેવાનો પાંખો પ્રતિસાદ મળશે એવું પહેલાથી જ માનવામાં આવતું હતું.
સાવચેત રહેજો! કોરાનાથી પણ ગંભીર મહામારી આવી શકે છે, આ અબજપતિએ આપી વિશ્ર્વને ચેતવણી; જાણો વિગત