ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
ગોરેગામમાં મોતીલાલ નગરનાં વર્ષોથી રીડેવલપમેન્ટનો પેન્ડિંગ રહેલો પ્રસ્તાવ છેવટે મહાવિકાસ આઘાડીએ મંજૂર કરી દીધો છે. એથી મોટા ઘરનું સપનું પૂરું થવાની આશાએ સ્થાનિક રહેવાસીઓ ખુશ છે. જોકે સરકારના આ નિર્ણયનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપના આરોપ મુજબ સરકારી ઑથૉરિટી મ્હાડા પાસે રીડેવલપમેન્ટ કરવાને બદલે ખાનગી બિલ્ડરોના ફાયદા માટે રીડેવલપમેન્ટનો પ્રસ્તાવ સરકારે મંજૂર કર્યો છે. આમાં સ્થાનિક રહેવાસીઓને નહીં, પણ બિલ્ડરનો બખ્ખા થવાના છે.
સ્થાનિક રહેવાસીઓ વર્ષોથી મોતીલાલ નગરના પુનર્વિકાસની માગણી કરી રહ્યા છે. છેવટે સરકારે આ પ્રસ્તાવને મંજૂર કરી દીધો છે. જોકે સરકાર ખાનગી બિલ્ડરોને અહીંના રીડેવલપમેન્ટનું કામ સોંપવા માગે છે. એની સામે ભાજપે વિરોધ કર્યો છે. ભાજપના મુંબઈ પ્રભારી અને કાંદિવલી (પૂર્વ)ના વિધાનસભ્ય અતુલ ભાતખળકરે જણાવ્યું હતું કે મોતીલાલ નગરનો વિકાસ સરકારે જાતે કરવાનો કોર્ટનો આદેશ હતો અને ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ વચન આપ્યું હતું. છતાં અપૂરતા ભંડોળનું કારણ આગળ કરીને મ્હાડાના નિયંત્રણ હેઠળ ખાનગી બિલ્ડરો પાસેથી રીડેવલપમેન્ટ કરાવવાનો સરકારે નિર્ણય લીધો છે. તેનો ભાજપ વિરોધ કરે છે. મોતીલાલ નગરના વિકાસ અને રહેવાસીઓ માટે ભાજપ પોતાનું આંદોલન ચાલુ જ રાખશે. સરકારને સામાન્ય માણસોની નહીં પણ બિલ્ડરોના આર્થિક ફાયદાની ચિંતા છે.
મુંબઈવાસીઓ ખિસ્સા હળવા કરવા તૈયાર રહેજો, ડીઝલ 100 રૂપિયા ને પાર…
સરકારના આ નિર્ણયની ટીકા કરતાં અતુલ ભાતખળકરે કહ્યું હતું કે ગરીબ માણસોને ઘર મળે એ માટે 1960માં ગોરેગામમાં 143 એકર જગ્યામાં ઘર બાંધવામાં આવ્યા હતા. ઠાકરે સરકાર સત્તામાં આવી ત્યારથી મ્હાડા, સિડકોના પ્રોજેક્ટ અધૂરા રાખીને ભંડોળ અન્ય જગ્યાએ ફેરવી રહી છે.સમૃદ્ધિ હાઈવેના 1000 કરોડ રૂપિયા હજી સુધી મ્હાડાને આપવામાં આવ્યા નથી. આ પૈસા મ્હાડાને પાછા કરીને મોતીલાલ નગરનો પુનર્વિકાસ કરવો જોઈએ તથા મૂળ રહેવાસીઓને મફતમાં ઘર મળવાં જોઈએ અને બાકીના બચેલાં ઘર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સામાન્ય માણસોને આપવાં જોઈએ. ભાજપની માગણી પૂરી નહીં કરી તો અમારું આંદોલન ચાલુ જ રહેશે.