ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર
કોવિડ-19ની વેક્સિનના બંને ડોઝ લેનારાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, ત્યારે દિવસે ને દિવસે ટ્રેનોમાં ભીડ વધી રહી છે. સાથે જ ટર્મિનસ પર પણ લોકોની ભીડ વધી રહી છે. કોરોનાની ઉપાધિ હજી ટળી નથી. એથી પ્લૅટફૉર્મ ઉપર થતી ગરદીને રોકવા માટે રેલવે પ્રશાસન મુંબઈ વિભાગના પ્લૅટફૉર્મ ટિકિટના દર વધારવાની છે. એ મુજબ લોકમાન્ય ટિળક ટર્મિનસ, દાદર, કલ્યાણ, થાણે અને પનવેલ સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટના દર હાલ 10 રૂપિયા છે, એ 50 રૂપિયા થશે.
અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી કોવિડને પગલે પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું બંધ જ કરવામાં આવ્યું હતું. અત્યારે પણ વેક્સિનના બંને ડોઝ લઈને 14 દિવસ બાદ જ રેલવેમાં પ્રવાસની મંજૂરી છે. પરંતુ પ્લૅટફૉર્મ ટિકિટ આપવામાં આવતી નહોતી, એને કારણે ટર્મિનસ પર બહારગામની ટ્રેન પકડવા જતાં મહિલા, સિનિયર સિટીઝન્સ તથા દિવ્યાંગોને બહુ તકલીફ થતી નથી. જોકે હવે પ્લૅટફૉર્મ ટિકિટ આપવાનું શરૂ તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ એના દર વધારી દેવામાં આવ્યા છે.