ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
મુંબઈમાં ચાર-પાંચ દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યામાં લાક્ષણિક ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ મુંબઈમાં 50,000 સક્રિય દર્દીઓ છે. તેની સામે હાલ કોરોના દર્દી પરંતુ લક્ષણો નહીં ધરાવતા અને વિદેશથી આવેલા શંકાસ્પદ તેમ જ હાઈરિસ્ક કેટેગરીના ધરાવતા લગભગ 9,29,363 મુંબઈગરા હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છે.
આ લોકો કોવિડના નિયમોનું પાલન કરે છે કે તેના પર નજર રાખવાની જવાબદારી પાલિકાના વોર્ડ વોર રૂમની છે. જો કે, જેમ જેમ ક્વોરેન્ટાઇન કર્મચારીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ પાલિકા પર દબાણ વધી રહ્યું છે.
મુંબઈમાં 21 ડિસેમ્બર 2021થી કોવિડની ત્રીજી લહેર હેઠળ દર્દીઓની સંખ્યા વધી રહી હતી. દરરોજ દર્દીઓની સંખ્યામાં 20 થી 30 ટકાનો વધારો થવા લાગ્યો હતો. જોકે તેમાના 90 ટકાથી વધુ દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા. તેથી તેમને ઘરે સારવાર લેવાનું કહેવામાં આવ્યું હતું. છેલ્લા અઠવાડિયામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પ્રતિદિન 20,000 સુધી પહોંચી જતા તેમના સંપર્કમાં આવેલા 40,000 થી 45,000 નાગરિકોની શોધીને તેમને ક્વોરેન્ટાઇન કરવાનું ચાલી રહ્યું છે. કોરાનાની બીજી લહેર કરતા આ પ્રમાણ બમણું છે.
કોવિડની પહેલી લહેર દરમિયાન હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓના હાથ પર સ્ટેમ્પ લગાવવામાં આવી રહ્યા હતા. આ સમયે ઘરે રહીને સારવાર કરનારાની સંખ્યા મોટી છે. તેથી જો કોઈએ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો ચેપ વધવાની શકયતા છે. તેથી પાલિકાએ નિયમોનો ભંગ કરનારા દર્દીઓના હાથ પર સ્ટેમ્પ લગાવવાની ચેતવણી આપી છે.
વાહ!! મુંબઈ મહાનગરપાલિકાએ હવે બનાવ્યો આ રેકોર્ડ… જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે બીજી લહેર દરમિયાન એપ્રિલ 2021 માં, છ લાખ 20 હજાર નાગરિકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હતા. 21 ડિસેમ્બર, 2021 ના રોજ, 30,000 લોકો ઘરે સારવાર લઈ રહ્યા હતા. જો કે છેલ્લા બે સપ્તાહમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને પ્રતિદિન 20,000 થઈ ગઈ હતી. જોકે રવિવારે તેમાં ઘટાડો થઈને દિવસ દરમિયાન સાત હજાર સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. કુલ 29,450 લોકોને તેમના સંપર્કમાં આવ્યા બાદ ટ્રેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી 20 હજાર 618 વ્યક્તિઓ હાઈ રિસ્ક ગ્રુપમાં અને 8832 વ્યક્તિઓ લો રિસ્ક ગ્રુપમાં છે. મુંબઈમાં અત્યાર સુધી 90,25,187 લોકોએ હોમ ક્વોરન્ટાઈનનો સમયગાળો પૂરો કર્યો છે.