ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ જૂન ૨૦૨૧
સોમવાર
જન્મદિવસને દિવસે સામાન્યપણે લોકો મિત્રો સાથે ઉજાણી કરી મોજમજા કરતા હોય છે, પરંતુ એક વર્ગ એવો પણ છે જે પોતાના જન્મદિવસે સેવાભાવી કાર્યો કરી સમય પસાર કરે છે. આવો જ એક કિસ્સો કાંદિવલીમાં રહેતા શુભાંગ મહેતાનો પણ છે. શુભાંગે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમમાં જઈ વડીલોના આશીર્વાદ લઈ અને તેમની સાથે સમય પસાર કર્યો હતો.
કાંદિવલીના આ યુવકે ૨૦ જૂને પોતાનાં માતા-પિતા સાથે પાલઘરસ્થિત આનંદ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં તેણે વડીલો સાથે ચોક્કસ અંતર રાખી તેમના આશીર્વાદ લીધા હતા અને ભજન ગાઈ વડીલો સાથે સમય પસાર કરી પાલઘરના આ પ્રખ્યાત એવા આનંદ વૃદ્ધાશ્રમ વિશે વધુ જાણ્યું હતું. ઉપરાંત વડીલો સાથે પણ વાતચીત કરી હતી.
આ સંદર્ભે વાત કરતાં શુભાંગે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “ઉજાણી અને મોજમજા તો ગમેત્યારે થઈ શકે છે.” જન્મદિવસના દિવસે આવા નવા અનુભવો આપણને જીવનમાં ઘણી બધી વસ્તુ શીખવી જતા હોય છે અને સારું કાર્ય કરવા પ્રેરે છે.
આનંદ વૃદ્ધાશ્રમ વિશે વાત કરતાં તેણે ઉમેર્યું હતું કે અહીં ખૂબ જ સરસ કાર્ય થઈ રહ્યું છે. ૧૭ જેટલા વડીલો અહીં રહે છે. વૃદ્ધાશ્રમના કાર્યકર્તાઓ અને સંચાલકો દ્વારા તેમનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વડીલોને પિકનિક અને ધાર્મિક સ્થળોએ પણ લઈ જવામાં આવે છે. આશ્રમના પ્રાંગણમાં જ મંદિર અને નાનું ગાર્ડન પણ આવેલું છે.
ઉલ્લેખનીય છે કે શુભાંગ વર્ષોથી પોતાનો જન્મદિવસ સંસ્કૃતિક રીતે ઊજવે છે. સવારે દીવો કરી વડીલોના આશીર્વાદ લઈ કેકની જગ્યાએ મીઠાઈ ખવડાવી દિવસની શરૂઆત કરે છે. આ અગાઉ ત્રણ વર્ષ પૂર્વે પણ શુભાંગે વલસાડના અવલખંડીમાં આવેલા એક બાલાશ્રમની મુલાકાત લીધી હતી અને ત્યાં બે દિવસ રોકાયો પણ હતો. આ બે દિવસ દરમિયાન ત્યાંનાં બાળકો સાથે ભજન-કીર્તન ઉપરાંત વિવિધ રમતો રમી સમય પસાર કર્યો હતો.