હું ગુજરાતી

જન્મભૂમિ અખબાર તરફથી ઇનામ મળ્યું તેનાથી પ્રોત્સાહિત થયેલો આ બાળક હવે યુવા લેખક બની રહ્યો છે

Apr, 3 2021


ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ, 3 એપ્રિલ 2021
શનિવાર
ગુજરાતી ભાષાને પ્રેમ કરનાર લોકોની સંખ્યા આજે પણ ઓછી થઈ નથી. અમે વાત કરી રહ્યા છીએ અંધેરીમાં રહેતા ધાર્મિક પરમારની જે ગુજરાતી ભાષામાં સાહિત્ય લખી પોતાની કારકિર્દી બનાવવા મથી રહ્યો છે. હાલ ધાર્મિક મીઠીબાઈ કૉલેજની વાણિજ્ય શાખામાં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. ધાર્મિકે પોતાનું શાળાનું ભણતર વિલેપાર્લેની એમ.એમ.એમ. હાઈસ્કૂલમાં પૂરું કર્યું હતું.

વાત એમ છે કે ધાર્મિક જ્યારે નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેણે જન્મભૂમિ પત્રો દ્વારા આયોજિત એક નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેનો વિષય હતો 'સ્વાતંત્ર દિવસની ઉજવણી હું કઈ રીતે કરીશ?'. આ સ્પર્ધામાં તેને પારિતોષિક મળ્યું હતું. પુરસ્કાર મળવાથી પ્રોત્સહિત થઈ ધાર્મિકે પોતાની કલમ ઝપાટાભેર ઊંચકી લખવાની શરૂઆત કરી.

ધાર્મિકે 2019માં 60 બાળકાવ્યો સાથેનો પોતાનો 'બિલ્લી થઈ ગઈ મોર્ડન' કાવ્યસંગ્રહ બહાર પાડ્યો. તેમાં તેણે 'એકડાને આવ્યો તાવ', 'બિલ્લી થઈ ગઈ મોર્ડન', 'ઉંદરભાઈનો વધ્યો પગાર', 'ભાર વગરનું ભણતર' અને 'મમ્મી મારે વાદળ બની આકાશે લહેરાવું છે' જેવા સુંદર બાળકાવ્યો લખ્યા છે. 

ન્યુઝ કંટીન્યુઝ સાથે વાત કરતા ધાર્મિકે જણાવ્યું કે "મને બાળકાવ્યો લખવા અને વાંચવા ખૂબ ગમે છે. તે ઉપરાંત મેં સોનેટ કાવ્ય, ગઝલ અને છંદ પણ લખવાની શરૂઆત કરી છે." લોકડાઉનમાં શું કર્યું આ પ્રશ્નના જવાબમાં તેણે ઉમેર્યું કે "મને લોકડાઉન ફળ્યું છે. તે સમયમાં હું ઓનલાઇન ઈ-પુસ્તકોની મદદથી કાવ્યના પ્રકાર વિશે ઘણું શીખ્યો છું." 

ઉલ્લેખનીય છે કે ધાર્મિકના બાળકાવ્યો ઓનલાઇન મેગેઝિન્સથી લઈને દિવ્ય ભાસ્કરની બાળભાસ્કર, બાલસેતુ, ટમટમ કિડ્સ, કચ્છમિત્રની બાળમિત્ર કોલમમાં પણ છપાઈ ચૂકયા છે. વિવિધ સ્પર્ધાઓમાં તેને તેના સર્જન માટે અનેક પુરસ્કાર પણ મળ્યા છે. આમ દધાર્મિક એક યુવા સાહિત્યકાર બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ધાર્મિકનું એક બાળકાવ્ય અમે અહીં મૂક્યું છે.

સૂરજદાદાને છુટ્ટી

ચાલો મોટું પડ્યું વેકેશન, દાદા લઈ લ્યો છુટ્ટી.
પછી આવજો નીચે રમવા, રમશું હું ને ગુડ્ડી.

પપ્પા પણ સન્ડે આવે તો રાખી લ્યે છે રજા.
પછી અમે તો હરતાં-ફરતાં, કરીએ મજ્જા-મજ્જા.

આવો તો કોમળ તડકાની ભરી લાવજો મુઠ્ઠી..


દાદી કેતી'તી અંધારે તમને લાગે બીક...
ગભરાશો મા, ટોર્ચ-દીવો સાથે રાખીશું ઠીક.

અંધારાનો ડર પછી તો જાશે તડ..તડ.. તૂટી.
ચાલો મોટું પડ્યું વેકેશન, દાદા લઈ લ્યો છુટ્ટી.

- ધાર્મિક પરમાર

Leave Comments