ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧
મંગળવાર
આ વાત છે મુંબઈની એક એવી ગુજરાતી છોકરીની જેણે આ વર્ષે ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ (ISC) બોર્ડની બારમા ધોરણની પરીક્ષામાં અદ્ભુત સફળતા મેળવી છે. સાંતાક્રુઝમાં રહેતી ક્રિશાંગી પરીખે આર્ટ્સમાં બારમા ધોરણની પરીક્ષામાં ૯૯ ટકા મેળવ્યા છે. આ ઉપરાંત તેણે છમાંથી બે વિષયમાં સંપૂર્ણ ૧૦૦ ગુણ મેળવ્યા છે, તો એક ગ્રેડેડ વિષયમાં A ગ્રેડ પણ મેળવ્યો છે.
ક્રિશાંગી બૅંન્ગ્લોરમાં સ્થિત નૅશનલ લૉ સ્કૂલમાં પ્રવેશ મેળવી LLBનો અભ્યાસ કરવા માગે છે. આ સપનું સાકાર કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી છે અને હાલ તેના પરિણામની રાહ જોઈ રહી છે. જોકેઆ સિદ્ધિ મેળવવા માટે ક્રિશાંગીએ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત અને લગનથી અભ્યાસ કર્યો હતો. મહત્વપૂર્ણ વાત એ છે કે તેણે કોઈ પણ એક્સ્ટ્રા ક્લાસ કર્યા નથી, પરંતુ સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપ્યું હતું.
આ સંદર્ભે વાત કરતાં ક્રિશાંગીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “હું મારા પરિવાર અને શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞ છું. તેમણે મને તમામ જરૂરી સપોર્ટ પૂરો પડ્યો હતો.” આ બાબતે વાતચીત કરતાં ક્રિશાંગીના ભાઈ પ્રથમેશ પરીખે ન્યુઝ કન્ટિન્યુઝને કહ્યું કે “અમે ક્રિશાંગીની આ સફળતા બદલ ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને અમને આશા છે ભવિષ્યમાં પણ ક્રિશાંગી આમ જ સફળતાનાં નવાં શિખરો સર કરશે.”
ઉલ્લેખનીય છે કે ક્રિશાંગીને દસમા ધોરણમાં પણ ૯૮% આવ્યા હતા. આ વર્ષે ક્રિશાંગીએ પોતાના મનગમતા વિષય સમાજશાસ્ત્ર (સોશિયોલૉજી)માં ૧૦૦ ગુણ મેળવ્યા છે. ઉપરાંત મનોવિજ્ઞાન (સાઇકોલૉજી)માં પણ સંપૂર્ણ ૧૦૦ ગુણ મેળવ્યા છે.