હું ગુજરાતી

બોરીવલીના આ ગુજરાતી પરિવારનો અનોખો સેવાયજ્ઞ : જુવાનજોધ દીકરાના મૃત્યુ બાદ તેની યાદમાં બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરશે; જાણો વિગત

Aug, 10 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

કોરોના સમયમાં લોકો જલદી બ્લડ ડોનેશન કરવા આગળ આવતા નથી. મહારાષ્ટ્ર જ નહીં, પણ દેશમાં પણ અનેક  જગ્યાએ બ્લડ ડોનેશન ઓછું થવાથી બ્લડ બૅન્કમાં લોહીની અછત સર્જાઈ રહી છે. આવા કપરા કાળમાં બોરીવલીના એક ગુજરાતી પરિવારે તેમના મૃતક પુત્રના સ્મરણમાં રવિવાર 15 ઑગસ્ટના બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરીને સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

સામાન્ય રીતે પરિવારના કોઈ સભ્યના મૃત્યુ બાદ તેના સ્મરણમાં પૈસા, અનાજ સહિત અલગ-અલગ પ્રકારનું દાન કરવામાં આવતું હોય છે, ત્યારે બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીમાં રહેતા ચોખાવાલા પરિવારે તેમના 47 વર્ષના પુત્ર વૈભવ ચોખાવાલાની યાદમાં રાખેલા બ્લડ ડોનેશન કૅમ્પ રાખતાં કોરોનાના સમયમાં અનેક જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળશે એવી આશા રાખવામાં આવે છે.

સમાજસેવામાં હંમેશાં અગ્રેસર રહેલા વૈભવ ચોખાવાલાનું 25 જુલાઈ, 2021ના હાર્ટ ઍટેકને કારણે મૃત્યુ થયું હતું. મૂળ સુરતના દશામેવાડા જ્ઞાતિના એન્જિનિયરિંગ ભણેલા અને વ્યવસાયે બિઝનેસમૅન વૈભવના અકાળે થયેલા મૃત્યુના આઘાતથી પરિવાર જલદી બહાર આવી શક્યો નહોતો. વૈભવનાં મમ્મી નલિનીબહેન ચોખાવાલાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે જુવાન દીકરાને ગુમાવવાના દુખમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, પરંતુ તેની યાદમાં રડતાં રહેવું એ પણ યોગ્ય નથી. વૈભવ હંમેશાં સમાજસેવામાં અગ્રેસર રહ્યો હતો. એથી તેની પાછળ સમાજ-ઉપયોગી કાર્ય કરીને જ તેને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાશે.

 વૈભવના બોરીવલીમાં લિન્ક રોડ પર ચીકુવાડીમાં આવેલા નિવાસસ્થાન પર રાખવામાં આવેલા બ્લડ ડોનેશન કૅમ્પ બાબતે વૈભવના નાનાભાઈ આનંદે જણાવ્યું હતું કે  ખાનગી હૉસ્પિટલ નાણાવટી સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું છે. અમારા બિલ્ડિંગના ક્લબ હાઉસમાં જ આ કૅમ્પ રહેશે. એ માટેની ઑલમોસ્ટ તૈયારીઓ થઈ ગઈ છે. હૉસ્પિટલના 15 ડૉક્ટર સહિતની મેડિકલ ટીમ હશે. તેમની ઍમ્બ્યુલન્સ સહિતની અન્ય સુવિધા પણ હૉસ્પિટલ દ્વારા જ રાખવામાં આવી છે.

મોટી સંખ્યામાં લોકોને બ્લડ ડોનેશનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. એ બાબતે આનંદે જણાવ્યું હતું કે કોરોનાને કારણે હાલ બ્લડની અછત વર્તાઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ કૅમ્પમાં સહભાગી થાય એ માટે અપીલ કરી છે. સગાં-સંબંધી, મિત્રો, બિલ્ડિંગના રહેવાસી સહિત આસપાસના વિસ્તારોમાં પણ બ્લડ ડોનેશન કૅમ્પ માટે આગળ આવવા અપીલ કરી છે. કોરોનાના ડરે લોકોમાં બ્લડ ડોનેશન કરવાને લઈને ડર તો રહેલો છે. છતાં કૅમ્પ દરમિયાન સોશિયલ ડિસ્ટિન્સિંગના  નિયમોથી લઈને અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. ખાનગી હૉસ્પિટલ દ્વારા એ મુજબની તૈયારી પણ કરવામાં આવી છે. કેટલી માત્રામાં બ્લડ જમા થશે એ માટે અમે કોઈ ટાર્ગેટ નથી રાખ્યો. છતાં વધુમાં વધુ લોકો કૅમ્પમાં જોડાય અને 100થી 150 યુનિટ (થેલી) જમા થાય એવી અમારી અપેક્ષા છે.

વૈભવના અકાળે થયેલા મૃત્યુ બાદ તેની પાછળ સમાજ-ઉપયોગી કાર્ય કરવા બાબતે આનંદે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે 25 જુલાઈના તેઓ મૉર્નિંગ વૉક માટે ગયા ત્યારે રસ્તામાં અચાનક તેમની તબિયત લથડતાં તેમને તરત હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એ દરમિયાન તેમને હાર્ટ ઍટેક આવ્યો હોવાનું ડૉક્ટરે જણાવ્યું હતું. ડૉક્ટરોએ તેમને બચાવવાના અથાગ પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા. વૈભવભાઈ પહેલાંથી સમાજસેવામાં અગ્રેસર રહ્યા હતા. તેઓ હંમેશાંથી ઑર્ગન ડોનેશનમાં માનતા હતા. એથી તેમની ઇચ્છાને ધ્યાનમાં રાખીને તેમના મૃત્યુ બાદ ઑર્ગન ડોનેશન કરવાનો અમારો વિચાર હતો.

ઑર્ગન ડોનેશન માટે હૉસ્પિટલને અમે વિનંતી કરી હતી, પરંતુ તેમનું મૃત્યુ રસ્તા પર આવેલા હાર્ટ ઍટેકને કારણે થયુ હતું. એથી તેમના મૃત્યુ બાદ પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મૃત્યુના ચાર કલાકની અંદર ઑર્ગન ડોનેશનની પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ પોસ્ટમૉર્ટમ સહિત અનેક પ્રક્રિયામાં ખાસ્સો સમય નીકળી ગયો હતો. એથી એ શક્ય બન્યું નહોતું. ઑર્ગન ડોનેશનની તેમની ઇચ્છા પૂરી ન કરી શક્યા એટલે  બ્લડ ડોનેશન કૅમ્પ રાખવાનો નિર્ણય લીધો હોવાનું આનંદે જણાવ્યું હતું.

વૈભવ ચોખાવાલાનાં પત્ની પ્રીતિએ જણાવ્યું હતું કે વૈભવ હંમેશાં સોશિયલી ઍક્ટિવ રહ્યા હતા. તેઓ બોરીવલીની ગોરાઈમાં આવેલા મોનફોર્ડ બૉય્સ હોમ્સ સાથે સંકળાયેલા હતા. ત્યાંનાં બાળકોના શિક્ષણનો ખર્ચ તેઓએ ઉપાડ્યો હતો. દર શનિવારે તેઓ ત્યાં જઈને બાળકોની મુલાકાત લઈને તેમના ભણતરનું ધ્યાન પણ રાખતા હતા. એ સિવાય પણ અનેક સોશિયલ ઍક્ટિવિટી સાથે તેઓ જોડાયેલા હતા.

વૈભવનું હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે ત્યારે તેમનાં પત્નીના કહેવા મુજબ વૈભવ ફિઝિકલી અને મેન્ટલી એકદમ સ્ટ્રૉન્ગ હતા. તેમને કોઈ બીમારી નહોતી. પત્ની સાથે મળીને તેઓ મેડિટેશન, યોગ અને પ્રાણાયામના ક્લાસિસ પણ ચલાવતા હતા. એટલું જ નહીં, પણ તેઓ મૅરેથૉન રનર હતા. અનેક મૅરેથૉનમાં તેઓએ ભાગ લીધો હતો. રનિંગ અને ટ્રૅકિંગમાં પણ તેઓ અગ્રેસર હતા. હંમેશાં પોતાના મિત્રો, પરિવાર અને ઑફિસના સ્ટાફને ટ્રૅકિંગ માટે લઈ જતા હતા.

મુંબઈ મનપાની વોર્ડ ઓફિસ સહિત આટલા રેલવે સ્ટેશન પર મળશે ક્યુઆર કોર્ડ માટેનો પાસ જાણો વિગત

ચોખાવાલા પરિવારે 15 ઑગસ્ટના બોરીવલી (વેસ્ટ)માં ન્યૂ લિન્ક રોડ પર ચીકુવાડીમાં ગ્રીન રીડજ સોસાયટીમાં સવારના નવ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ખાનગી હૉસ્પિટલ નાણાવટી સાથે મળીને બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કર્યું છે. વધુ માહિતી માટે આ નંબર પર 9820319065 સંપર્ક કરવો.

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )