ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૮ જૂન ૨૦૨૧
મંગળવાર
દેશના વિવિધ ભાગમાંથી પૂનામાં વ્યાપાર કરવા આવેલા વ્યાપારીઓનાં બાળકો માટે શરૂ થયેલી ગુજરાતી શાળામાં આજે પણ ભૂલકાંઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. આ વાત છે પૂના શહેરસ્થિત રતનબહેન ચુનીલાલ મહેતા (RCM)ગુજરાતી શાળા તરીકે પ્રખ્યાત છે. વર્ષ ૧૯૨૬માં સ્થપાયેલી આ શહેરની સૌથી જૂની શાળા છે.
આજે પણ પૂના જેવી મરાઠી નગરીમાં શાળાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં કુલ ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષામાં શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. શાળામાં વિદ્યાર્થીઓ પાસે સેમી-ઇંગ્લિશનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. ઉપરાંત, ગુજરાતી માઇનોરિટી હેઠળ ગુજરાતીઓને સંસ્થાની જુનિયર કૉલેજમાં પણ પ્રવેશ મેળવવો સહેલો છે. જુનિયર કૉલેજ માટે અહીં વિવિધ વૉકેશનલ કોર્સ પણ ઉપલબ્ધ છે.
શાળામાં વૅલ્યુ એજ્યુકેશન, સ્પોકન ઇંગ્લિશ, ગાઇડન્સ લૅક્ચર સહિત વિદ્યાર્થીલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત કવિ નર્મદની જન્મજયંતી ૨૪ ઑગસ્ટ એટલે કે ગુજરાતી દિવસ નિમિત્તે પણ મોટો કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને ગુજરાતની અસ્મિતા વિશે પણ જ્ઞાન આપવામાં આવે છે. શાળાનો એક મહત્ત્વનો ઉપક્રમ એટલે કે પ્રવેશોત્સવ, જેમાં શૈક્ષણિક વર્ષના પ્રથમ દિવસે બાળકોને ચાંદલો કરી ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે.
આ સંદર્ભે વાત કરતાં શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને આચાર્યા સોનલબહેને ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “આગામી અમુક વર્ષમાં શાળાને ૧૦૦ વર્ષ પૂર્ણ થશે. શાળાની આ અભૂતપૂર્વ પ્રગતિમાં સંચાલકો અને શિક્ષકોની ખૂબ જ મહેનત છે.”
માતૃભાષા ગુજરાતીના શુદ્ધ ઉચ્ચારણ માટે કાર્યરત છે આ ભાઈ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે આ શાળાની વિદ્યાર્થિનીઓ બોર્ડ ટૉપર પણ બની છે અને દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ૯૦થી વધારે ગુણ મેળવે છે. શિક્ષકો પણ દસમાના વિદ્યાર્થીઓ પરીક્ષા વર્ગમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી સતત માર્ગદર્શન માટે તત્પર રહે છે. આ શાળા હવે શહેરમાં સીમાચિહ્નરૂપ બની ગઈ છે. પૂના શહેરના કોઈપણ ખૂણેથી કોઈપણ વ્યક્તિને ગુજરાતી શાળા કહો એટલે તમને આ જ શાળાનો રસ્તો બતાવશે.