SUBDOMAIN == gujarati

હું ગુજરાતી

મળો ભારતીય ફિલ્મ અને ભારતીય સંગીત જગતના હાલતા-ચાલતા એન્સાઇક્લોપીડિયાને; કાંદિવલીના આ ભાઈ ૭૦ હજારથી પણ વધુ ગીતોનો સંગ્રહ ધરાવે છે; જાણો વિગત

Jun, 10 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

ગુરુવાર

એકંદરે સંગીત સાંભળવા અથવા ફિલ્મ વિશે માહિતી મેળવવા માટે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયમાં પણ કાંદિવલીમાં એક વ્યક્તિ એવી છે, જેને ભારતીય ફિલ્મ અને ભારતીય સંગીત જગતનો ઇતિહાસ કંઠસ્થ છે. આ વાત છે હાર્દિક ભટ્ટની જેમની પાસે ૭૦ હજારથી પણ વધુ ગીતોનો સંગ્રહ છે, એમાંથી લગભગ ૧૨ હજાર ગીત ગુજરાતી છે. ઉપરાંત ૬,૫૦૦થી પણ વધુ ફિલ્મનો પણ સંગહ છે.

હાર્દિકભાઈ હાલ કાંદિવલીની કે.ઈ.એસ. કૉલેજ અને જોગેશ્વરીની ઇસ્માઇલ યુસુફ કૉલેજમાં હિન્દી ભાષાના પ્રોફેસર તરીકે કાર્યરત છે અને હાલ પીએચ.ડી.ના અંતિમ તબક્કા સુધી પહોંચી ચૂક્યા છે. સંગીત તો તેમને દાદાના વારસામાં મળ્યું અને તેમને સંગીતમાં વિશારદ પણ હાંસલ છે, પરંતુ માત્ર ૧૦ વર્ષની ઉંમરથી જ તેમણે જૂનાં ગીતોનો વારસો સાચવવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા હતા. તેમણે સૌપ્રથમ હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર અને ગાયક કુંદનલાલ સહેગલનાં ગીતોની ચીવટપૂર્વક સૂચિ બનાવી હતી અને માત્ર ૧૩ વર્ષની કુમળી વયે સહેગલ પર લખતા એક પુસ્તક માટે સહલેખકની પણ ભૂમિકા ભજવી.

વર્ષ ૧૯૯૮માં તેમણે શરૂ શરૂ કરેલું આ કાર્ય આજે પણ ચાલુ જ છે. તેમની પાસે ઉપલબ્ધ મોટા ભાગનાં ગીતો ગ્રામોફોન રેકૉર્ડ્સમાં છે અને હાલ તે આ ગીતોને ડિજિટલાઇઝ કરાવી રહ્યા છે, અત્યાર સુધીમાં કુલ ૩૦ હજાર ગીતો ડિજિટલાઇઝ થઈ ચૂક્યાં છે. રેડિયો સ્ટેશન પાસે પણ જે જૂનાં ગીત ઉપલબ્ધ નહિ હોય, એવાં પણ ઘણાં ગીતોની રેકૉર્ડ્સ હાર્દિકભાઈ પાસે છે. તેમણે સહેગલ સહિત, પંકજ મલિક, કાનનદેવી, નૂર જહાં, પારુલ ઘોષ, નૌશાદ જેવા અનેક મહાન સંગીતકારોનાં ગીતોનું ચુસ્તપણે સૂચિબદ્ધ રીતે ડૉક્યુમેન્ટેશન કર્યું છે અને તેમની રેકૉર્ડ્સ ભેગી કરી.

ભાવિ પેઢીને આ જૂના સંગ્રહ ન કરાયેલાં ગીતોનો વારસો મળી શકે એ બદલ કામ કરતા હાર્દિક ભટ્ટે ન્યુઝ કન્ટિન્યુઝ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે “ખરાદિલથી હું આ સાધના (અભ્યાસ) કરવા ઇચ્છું છું. આ રિસર્ચ માટે જો કોઈ આર્થિક પીઠબળ મળે તો આ કાર્ય હજી વધુ ઝડપથી કરી શકાય છે.” હાર્દિકભાઈની વિશેષ વાત એ છે કે ૧૯૦૨થી ૧૯૮૦ સુધીમાં કયા ગાયકે કયું ગીત ગાયું, ક્યારે ગાયું તેમને બધી જ માહિતી કંઠસ્થ છે. ઉપરાંત ગુજરાતી રંગભૂમિનો ૧૫૦ વર્ષનો ઇતિહાસ પણ તે જાણે છે.

ઉલ્લેખનીય છે કે આ કામ માટે તેમણે ખૂબ જહેમત ઉઠાવી છે. જૂજ ગીતોની રેકૉર્ડ્સ મેળવવા માટે તે દેશના વિવિધ ભાગોમાં ફર્યા છે. આ બધું જ કામ હાર્દિકભાઈ સ્વખર્ચે કરે છે અને તેમનો આ વિશે કોઈ બિઝનેસ પ્લાન નથી. રેકૉર્ડ્સ ભેગી કરવા માટે તેમણે નાનપણથી જ નાનુંમોટું કામ કરી પૈસા કમાવવાની શરૂઆત કરી દીધી હતી. આ અભૂતપૂર્વ મહેનત કર્યા બાદ હવે તે ભારતીય ફિલ્મ અને ભારતીય સંગીત જગતના હાલતા-ચાલતા એન્સાઇક્લોપીડિયા બની ગયા છે.

મળો, કલર્સ ગુજરાતીની ધારાવાહિક ‘સૂરી-લાવશે સપનાની સવાર’ના ઈદિયાને; આટલી નાની ઉંમરે મેળવ્યો હતો આ રોલ

હાર્દિક ભટ્ટ પોતે પણ સરસ ગાયક છે. તેમની કલાનો એક નમૂનો અહીં આપેલી લિન્ક પર જઈને આપ સાંભળી શકો છો - https://www.youtube.com/watch?v=_ZYaMAAEr14&list=PLIF1FEnDZJTyaZWU4WY19IX16tzIXEnYS&index=44

Leave Comments