ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ જૂન ૨૦૨૧
ગુરુવાર
લૉકડાઉનમાં જ્યારે લોકો ઘરેબેઠાં હતા એવામાં કુર્લાની ગુજરાતી શાળામાં ભણેલી બે વિદ્યાર્થિનીઓએ પોતાના વિસ્તારનાં બાળકોનું ભણતર ન બગડે એ માટે બાળકોને ભણાવવાની શરૂઆત તેમણે સામે ચાલીને કરી હતી. આ વાત છે નેહા ચૌહાણ અને નિકિતા ચૌહાણની, જેમણે ગયા વર્ષે જ કુર્લાની એકમાત્ર ગુજરાતી શાળા શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલયમાંથી પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો.
ધારાવીમાં રહેતી નેહાએ લૉકડાઉનમાં શાળાઓ બંધ થઈ જતાં સૌપ્રથમ પોતાના બે નાના ભાઈઓને ભણાવવાની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમના ધ્યાનમાં આવ્યું કે વિસ્તારનાં બીજા બાળકોને પણ ઑનલાઇન ભણવામાં અગવડ પડતી હતી એથી ધીમે-ધીમે વિસ્તારનાં બીજા ૧૦-૧૫ બાળકોને પણ તેમણે નિ:શુલ્ક ભણાવવાની શરૂઆત કરી દીધી. આ કાર્યમાં તેની કાકાની દીકરી નિકિતા ચૌહાણે પણ સતત મદદ કરી હતી.

તેઓ આજે પણ દરરોજ સવાર-સાંજ બાળકોને બે-બે કલાક ભણાવે છે. હાલ એસ.એન.ડી.ટી. મહિલા વિદ્યાપીઠમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી નેહા સવારે બે કલાક ગુજરાતી માધ્યમ ઉપરાંત અંગ્રેજી માધ્યમનાં બાળકોને પણ ભણાવે છે. સાંજે બે કલાક નિકિતા આ કાર્ય સંભાળે છે. તેઓ ધોરણ બેથી નવ સુધીનાં બાળકોને દરેક વિષય ભણાવે છે.
આ સંદર્ભે વાતચીત કરતાં નેહાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “લૉકડાઉન દરમિયાન બાળકોનું અભ્યાસમાં નુકસાન થતું હતું અને તેમના વાલીઓ પાસે મોંઘાદાટ ટ્યૂશન માટે પૈસા ન હતા, તેથી અમે જ અમારા બનતા પ્રયાસ કર્યા.” તો બીજી તરફ નિકિતાએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું કે “અમારો હેતુ છે કે આ બાળકો સારું શિક્ષણ મેળવે અને જીવનમાં આગળ વધે.”

કહેવાય છે કે શિક્ષાનું દાન એ મહાદાન છે અને આ ગુજરાતી શાળામાં ભણેલી વિદ્યાર્થિનીઓ જે કાર્ય કરે છે તે ખરેખર મહાદાન છે. આટલી નાનીવયે સમાજનો વિચાર કરી પોતાનાથી બનતા પ્રયત્નો દ્વારા સમાજને ઉપયોગી થવાની ભાવના સાચે જ સરાહનીય છે.