1.2K
News Continuous Bureau | Mumbai
માંડલ તાલુકાનું વિંઝુવાડા ગામ તેના પ્રગતિશીલ ખેડૂતો અને દાડમના બગીચાઓ માટે દેશભરમાં જાણીતું છે. વિંઝુવાડા ગામના આવા જ એક ખેડૂત છે ભરતભાઈ પટેલ, જેમણે આ સીઝનમાં દાડમની સાથોસાથ શક્કરટેટીના ઉનાળું પાકમાં મબલખ ઉત્પાદન મેળવવામાં સફળતા મેળવી છે.
શક્કરટેટી એ ઉનાળુ પાક છે, જેમાં પાક તૈયાર થવામાં 70થી 90 દિવસ જેટલો સમય લાગતો હોય છે. ટેટીની ખેતીમાં ઓછા પાણીની જરૂરિયાત હોવાથી પાણીની અછત હોય તેવા વિસ્તારમાં આ પાક વધુ લેવાતો હોય છે.
ટેટીમાં લગભગ ૮૦થી ૯૦ ટકા જેટલો પાણીનો ભાગ હોવાથી ઉનાળામાં આ ફળની માર્કેટમાં ડિમાન્ડ વધુ જોવા મળે છે.
પહેલા માત્ર કપાસ અને જુવારની ખેતી કરતા ભરતભાઈ છેલ્લાં અમુક વર્ષોથી પાક ફેરબદલી દ્વારા ટૂંકા ગાળાના બાગાયતી પાકોના વાવેતર થકી ઓછા ખર્ચે વધુ વાવેતર અને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ બાગાયતી પાકોમાં મુખ્યત્વે દાડમ અને શક્કરટેટીના પાકો લે છે.
અમદાવાદ જિલ્લાના બાગાયત વિભાગના માર્ગદર્શન અને યોગ્ય આયોજન દ્વારા ભરતભાઈએ ગલગોટાના આંતરપાકના નવતર પ્રયોગ થકી શક્કરટેટીનું મબલખ ઉત્પાદન તો મેળવ્યું જ છે, સાથોસાથ ગલગોટાના વેચાણ થકી પણ તેઓ સારી આવક મેળવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો: પુણેની PFI ઓફિસમાં મુસ્લિમ યુવકોને આપવામાં આવતી હતી હિન્દુ નેતાઓની હત્યા કરવાની ટ્રેનિંગ
શક્કરટેટીની ખેતી અંગે વિગતો આપતા ભરતભાઈ જણાવે છે કે, ટેટીની સાથે સાથે હજારીગલ જેવા ફૂલ પાકનું આંતરપાક તરીકે વાવેતર કરવાથી ફૂલોની વધારાની આવક થાય છે તથા ખેતરમાં કૃમિ અને થ્રીપ્સનો કંટ્રોલ થાય છે.
આ ઉપરાંત, ગલગોટાના ફૂલ આકર્ષક હોવાથી મધમાખી આકર્ષાય છે. જેના લીધે ટેટીના પાકમાં પરાગનયન વધે છે, જેના પરિણામે ઉત્પાદન વધુ આવે છે. સાથે જ ઉનાળાની ઋતુમાં ફૂલોના ભાવ બજારમાં સારા મળતા હોવાથી સારી આવક મળે છે.
શક્કરટેટીના વાવેતર અને ઉત્પાદન અંગે વાત કરતા ભરતભાઈ જણાવે છે કે, રોપણી બાદ ૪૫ દિવસે એક વીઘામાંથી ૫૦ મણ જેટલી શક્કરટેટીનું ઉત્પાદન મેળવી શકાય છે. જયારે બીજા રાઉન્ડમા બસોથી અઢીસો મણ જેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે. બજારમાં શક્કરટેટીના ભાવ ૧૮થી ૨૪ રૂપિયા પ્રતિકિલો મળતા હોય છે. આ ઉપરાંત, પાંચ વીઘામાં ચાર ચાર ફૂટના અંતરે કુલ પાંચ હજાર જેટલા હજારીગલ ગલગોટાના છોડનું વાવેતર કરેલું છે. તેનો પણ બજારભાવ ૫૦ રૂપિયે કિલો જેટલો મળે છે. જેથી આશરે બેથી અઢી લાખ રૂપિયા જેટલી આવક હજારીગલ ગલગોટામાંથી પણ મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો:ચાર કેમેરા અને ફાસ્ટ ચાર્જિંગ સાથે Xiaomi 13 Ultra લોન્ચ, iPhoneના આ મોડલને ટક્કર આપશે
અત્રે ઉલ્લેખનીય છે કે, શક્કરટેટીની ખેતી કરતા મોટાભાગના ખેડૂતો પ્લાસ્ટિક મલ્ચિંગનો ઉપયોગ કરતા થયા છે. જેના લીધે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. ઓછા પાણીની જરૂરિયાત રહે છે. નિંદામણનો ઉપદ્રવ થતો નથી તેમજ ટેટીની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને પ્રતિ હેક્ટર પ્લાસ્ટિક મલ્ચિંગ માટે ૧૬ હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવતી હોય છે.
આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા આવા પાકોની ખેતી કરતા ખેડૂતોને માર્ગદર્શન તેમજ રોગ જીવાત અને અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. બાગાયત ખાતા દ્વારા ટેટીનું વાવેતર કરતાં ખેડૂતોને પ્લાસ્ટિક મલ્ચિંગ તથા બોક્સ પેકિંગ કરીને વેચાણ કરતા ખેડૂતોને પેકિંગ મટીરીયલ, પ્લાસ્ટિક કેરેટ, વજન કાંટો તેમજ જે ખેડૂતો ટપક પદ્ધતિથી ખેતી કરતા હોય તો તેમને વોટર સોલ્યુબલ ખાતરમાં પણ સહાય મળવાપાત્ર છે. આથી ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી દ્વારા વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળા ફળોને વેચીને સારો એવો નફો મેળવી શકે છે.
Join Our WhatsApp Community