ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 ઑગસ્ટ, 2021
મંગળવાર
સાહિયત્કાર શ્રી નર્મદની જન્મજયંતી, 24 ઑગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવાય છે. આ સુવર્ણ અવસર નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા સૌને માતૃભાષા દ્વારા મળેલી કલ્પનાશક્તિ અને સર્જનશક્તિને પ્રસ્તુત કરવાની તક આપવામાં આવી છે. મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ‘સ્વ થી સર્વ’ તરફના પ્રયાણમાં સૌ કોઈને સ્પર્ધામાં ભાગ લેવાનો મોકો આપવામાં આવ્યો છે.
સ્પર્ધા માટેનું રજિસ્ટ્રેશન 24 ઑગસ્ટ, 2021થી ચાલુ થવાનું છે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15 ઑક્ટોબર, 2021 રહેશે. સ્પર્ધામાં આકર્ષક ઇનામ રહેશે તેમ જ દરેક સ્પર્ધકને ઈ-સર્ટિફિકેટ આપવામાં આવશે. સંગઠન દ્વારા અલગ-અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે.
સંસ્કૃત શ્લોકના ગાન અને પઠનની સ્પર્ધા પણ રહેશે, જે 3થી 5 મિનિટની રહેશે, સ્પર્ધકે પોતાના શ્લોક સ્પષ્ટ ઉચ્ચારણ સાથે વીડિયો ફોર્મેટમાં મોકલવાના રહેશે. શ્લોકની વિગત જણાવવી ફરજિયાત રહેશે. કૃતિ એકાકી અથવા સમૂહમાં તૈયાર કરીને મોકલી શકાશે.
બીજી સ્પર્ધા ‘ચિત્ર બોલે છે!’ એટલે કે ડ્રૉઇંગની રહેશે. એમાં બે વિષય છે : મારી સપનાની શાળા! અને મને શું થવું ગમે? સ્પર્ધકે કોઈ એક વિષય પર ડ્રૉઇંગ કરવાનું રહેશે. ડ્રૉઇંગમાં કોઈ કલર કરવાનો રહેશે નહીં. ફક્ત પેન્સિલથી ચિત્ર દોરવાનું રહેશે. ટેક્નોલૉજીની મદદથી કરવામાં આવેલા ડ્રૉઇંગને માન્ય રાખવામાં આવશે નહીં. કોઈ પણ સાઇઝનો પેપર વાપરી શકાશે તેમ જ સ્પર્ધકે પોતાના ડ્રૉઇંગની સમજ આપતો વીડિયો પણ રજૂ કરવાનો રહેશે.
એસી કારમાં માસ્ક પહેરવામાં રાહત આપો, વેપારીઓની સંસ્થા FAMએ BMC પાસે કરી આ માગણી; જાણો વિગત
ત્રીજી સ્પર્ધા સ્વનિર્મિત વાદ્ય વૃંદ રચના ( સિમ્ફની) રહેશે, જેનો સમય 3થી 5 મિનિટનો રહેશે. આ સ્પર્ધામાં સ્પર્ધકે ફરજિયાત કોઈ પણ વસ્તુ અથવા શરીરના અંગ દ્વારા સંગીત વગાડવાનું રહેશે. કોઈ પણ ગુજરાતી ધૂન પર સંગીત વગાડી શકાશે. સ્પર્ધક ગીત ગાઈ શકે છે અથવા બૅકગ્રાઉન્ડમાં ગીત, સંગીત વગાડી શકે છે. સ્પર્ધક પોતાની કૃતિ એકાકી અથવા સમૂહમાં મોકલી શકે છે.
ચોથી સ્પર્ધા સ્વરચિત હાસ્યનું ફૂલઝર હશે, જેનો સમય 4થી 5 મિનિટનો રહેશે. સ્પર્ધામાં સ્પર્ધકે બોધપાઠ સાથે રમૂજી વીડિયો દ્વારા હાસ્યની ફૂલઝર પ્રગટાવવાની રહેશે. કોઈ પણ પ્રકારનું એડિટિંગ કે બૅકગ્રાઉન્ડ સંગીત, તાળીઓનો કે હાસ્યનો અવાજ જોડવાની મંજૂરી નહીં હોય.
પાંચમી સ્પર્ધા વક્તૃત્વની રહેશે. ચારથી પાંચ મિનિટમાં સ્પર્ધકે પોતાની વાત રાખવાની રહેશે. ગઈ સ્પર્ધામાં માતૃભાષાની શાળાઓ પૂછે કે મારી આ દશા માટે જવાબદાર કોણ? આ વિષય પર આત્મમંથન કર્યું હતું. હવે આ વર્ષે સ્પર્ધાનો વિષય છે જો હું ટ્રસ્ટી / આચાર્ય / સરકારી નીતિ ઘડનાર હોઉં તો શાળાઓને આ દશામાંથી બહાર લાવવા શું કરું? સ્પર્ધકે ફક્ત વિષયને અનુરૂપ વક્તવ્ય આપવાનું રહેશે. પ્રસ્તાવના કે પૂર્વભૂમિકા બોલવાની જરૂર નથી.
આ સ્પર્ધાઓ માટે સંગઠન દ્વારા અમુક નિયમો રાખવામાં આવ્યા છે, જેમાં એક કે એથી વધુ કૃતિ તૈયાર કરી ભાગ લઈ શકાશે, પણ એક સ્પર્ધામાં એક જ કૃતિને માન્યતા હશે. સ્પર્ધામાં કોઈ પણ વયજૂથના સભ્યો, શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતૃભાષાના પ્રેમીઓ સહભાગી થઈ શકશે. સંપૂર્ણ સ્પર્ધા ઑનલાઇન થશે. 24 ઑગસ્ટ, 2021ના ગૂગલ ફૉર્મ લિન્ક દ્વારા રજિસ્ટ્રેશન સ્વીકારવામાં આવશે. સ્પર્ધામાં જૂના વીડિયો મોકલવા નહીં. વીડિયોમાં સ્પષ્ટ અવાજ અને ચોખ્ખાં દશ્યો જોઈએ. નિર્ણાયકનો નિર્ણય સર્વમાન્ય રહેશે. રજિસ્ટ્રેશન ફૉર્મ ગુજરાતીમાં જ ભરવાનું રહેશે. ઉત્તમ કૃતિઓને મુંબઈ ગુજરાતી સંગઠનની યુટ્યુબ ચૅનલ પર મૂકવામાં આવશે. સમય સંજોગો અનુસાર નિયમમાં ફેરફાર થઈ શકે છે. વિશ્વના કોઈ પણ ખૂણેથી લોકો ભાગ લઈ શકે છે.
સ્પર્ધાની વધુ વિગત માટે ભાવેશ મહેતાનો 98690 40680 નંબર પર સંપર્ક કરવો અથવા મુંબઈ ગુજરાતી સંગઠનની વેબસાઇટ મેળવવી.
www.mumbaigujarati.org
તેમ જ સંગઠનના સોશિયલ મીડિયા પર પણ જોડાઈ શકાય છે.
https:/www.facebook.com/mumbaigujrati
યુટ્યુબ ચેનલ https:/www.youtube.com/channel/UCh_5dQZgkcANOwbVSOckKq9w