ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર
માતૃભાષાના માધ્યમમાં જો પોતાનું બાળક ભણે તો તેને અંગ્રેજી ન આવડવાનો ભય વાલીઓને સતાવતો હોય છે અને તેને કારણે તે બાળક પાછળ રહી જશે તેવો ભ્રમ વાલીવર્ગમાં જોવા મળે છે. નાસિકની ગુજરાતી શાળામાં ભણેલી વિદ્યાર્થિનીએ આ તમામ વાતોને ખોટી સાબિત કરી છે. અમે વાત કરી રહ્યા છીએ ખુશ્બુ મનુભાઈ પટેલની જેણે સંશોધન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતાના અનેક શિખરો સર કાર્ય છે.
નાસિકની એકમાત્ર ગુજરાતી શાળા આર.પી. વિદ્યાલયમાંથી પોતાનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ કરનાર ખુશ્બુના અત્યાર સુધીમાં પાંચ રિસર્ચ પેપર યુરોપિયન જર્નલમાં પ્રકાશિત થઈ ચુક્યા છે. ખુશ્બુએ ૨૦૨૧માં કર્ણાટક બેલગામની વિશ્વેશ્વરાય ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી બાયોટેકનોલોજી વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડમાંથી Molecular Biology વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેણીએ નામાંકિત સંશોધકોના સક્ષમ માર્ગદર્શન હેઠળ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ પરદેશમાં પણ વિવિધ સંશોધન પ્રયોગશાળાઓમાં બાયોટેકનોલોજીના જુદાજુદા ક્ષેત્રમાં પોતાનું સંશોધન પૂર્ણ કર્યું છે.
માથેરાનની મીની ટ્રેન પર્યટકો ના અભાવે બે દિવસ માટે બંધ.
ખુશ્બુએ ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીમાં ૨૦૧૭થી ૨૦૨૦ સુધી TBના પ્રોટીન ઉપર રિસર્ચ કર્યું હતું, જેથી ભવિષ્યમાં TBની દવા બનાવવામાં તે ઉપયોગી નીવડે. ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીએ તેણીને ૧,૫૦૦ ડોલરની થોમસ મેક્લેન્ટીઅર ટ્રાવેલ સ્કોલરશીપ અને 27,00,000 ઓસ્ટ્રેલિયન ડોલરની પીએચડી સ્કોલરશીપ પણ આપી હતી. ખુશ્બુ સતત બે વર્ષથી એસ.સી.એન.બી. સંશોધન વિદ્યાર્થી સલાહકાર ગ્રુપની સભ્ય રહી હતી. તેમ જ ક્વીન્સલેન્ડ એસોસીએશન ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટના ઉપપ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.
ખુશ્બુને બાયોકેમેસ્ટ્રીમાં એપ્રિલ ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ તરફથી PhD ની પદવીથી સન્માનિત કરવામાં આવી છે. તેણીનો રિસર્ચનો વિષય ટ્યુબર ક્યુલોસિસની પોટેનશિયલ ડ્રગ ડિસ્કવરી માટેનો હતો.
ન્યુઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા ખુશ્બુએ જણાવ્યું કે “માતૃભાષામાં ભણતર કારકિર્દીમાં બાધારૂપ નથી, સહાયક છે. માતૃભાષામાં ભણવાથી માત્ર અન્રેજી જ નહિ તમને પોતાની ભાષા પણ સારી રીતે આવડે છે જે ભવિષ્યમાં બીજી ભાષા શીખવામાં મદદરૂપ બને છે.”
ઉલ્લેખનીય છે કે ખુશ્બુના અમુક બીજા રિસર્ચ પેપર પણ થોડાક સમયમાં પ્રકાશિત થવાના છે. આમ આ વાત સિદ્ધ થાય છે કે માતૃભાષામાં ભણીને પણ માણસ સફળતાના અનેક શિખરો સર કરી જ શકે છે. ખુશ્બુ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
Join Our WhatsApp Community